ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામેની વોર્મઅપ મેચમાં પૃથ્વી શો ઇજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયાને ફટકો પડ્યો છે. હવે ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. આવા સમયે ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની માઇકલ વોનના મતે પૃથ્વીના સ્થાને ઓપનિંગમાં રોહિત શર્માને ઉતારવો ઠીક રહેશે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી બાઉન્ડ્રી લાઇન પર કેચ કરવા જતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. હાલ તે રિહેબિલિટેશમાં રહેશે અને બીજી ટેસ્ટ પહેલા ફિટ થવાનો પ્રયત્ન કરશે.
માઇકલ વોને પૃથ્વી ઈજાગ્રસ્ત થતા નિરાશા વ્યક્ત કરી હતી, સાથે આશા વ્યક્ત કરી હતી કે રોહિત શર્મા ટોપ ઓર્ડરમાં તેનું સ્થાન લે. વોનનો મત છે કે રોહિત એક શાનદાર બેટ્સમેન છે અને મને આશ્ચર્ય છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી પોતાને સ્થાપિત કરી શક્યો નથી.
Such a shame if @PrithviShaw misses the 1st Test versus the Aussies .. Fantastic young talent .. I personally would replace him with @ImRo45 at the top of the order .. He is far too good not to master Test Cricket .. #AUSvIND
રોહિતના ટેસ્ટ રેકોર્ડની વાત કરવામાં આવે તો તેના નામે 43 ઇનિંગ્સમાં 1479 રન છે. આ દરમિયાન તેની એવરેજ 40ની રહી છે. લાલ બોલ સામે સંઘર્ષ કરતો હોવાથી રોહિતને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પછી ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દીધો હતો. તે વન-ડે અને ટી-20માં ટીમ ઇન્ડિયાનો નિયમિત સભ્ય છે. રોહિતે આજ સુધી ટેસ્ટમાં ઓપનિંગ કરી નથી જો તેને તક આપવામાં આવે તો તે કેવું પ્રદર્શન કરશે એ તો સમય જ બતાવશે.