રેન્કિંગમા ટોચના સ્થાને રહેલા વિરાટ કોહલીની ગેરહાજરીમાં એશિયા કપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરનાર ઓપનર બેટ્સમેન રોહિત શર્મા આઈસીસી વન-ડે બેટ્સમેનોની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આથી ટોપના બે સ્થાનો પર ભારતીય બેટ્સમેનોએ કબજો જમાવ્યો છે. પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે. રોહિત બીજી વખત રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો છે. તે આ વર્ષે જુલાઈમાં પણ તે બીજા ક્રમાંકે પહોંચ્યો હતો. એશિયા કપમાં રોહિત શર્માએ 317 રન બનાવ્યા હતા.
શ્રેણીમાં સૌથી વધારે 342 રન બનાવનાર શિખર ધવનના રેન્કિંગમાં ચાર સ્થાનનો સુધારો થયો છે. તે હવે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. બોલિંગમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવ ત્રણ સ્થાનના ફાયદા સાથે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ત્રીજા ક્રમાંકે પહોંચી ગયો છે. તે ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુશ્તાફિઝુર રહેમાન અને અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન સાથે વિકેટ લેવાના મામલે ટોચના સ્થાને રહ્યો હતો. ત્રણેય બોલરોએ 10-10 વિકેટ ઝડપી હતી.
રાશિદ બોલરોની રેન્કિંગમાં બીજા સ્થાને છે. ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટોચના સ્થાને છે.
ટીમોની રેન્કિંગમાં કોઈ ફેરફાર નહીં આઈસીસીના વન-ડે રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ઇંગ્લેન્ડની ટીમ ટોચના સ્થાને યથાવત્ છે. આ પછી અનુક્રમે ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ છે. ભારતને આ ટૂર્નામેન્ટમાં એક અંકનો ફાયદો થયો હતો. અફઘાનિસ્તાનને પાંચ અંકનો ફાયદો થયો હતો. પાકિસ્તાન અને શ્રીલંકાને 3-3 પોઇન્ટનું નુકસાન થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર