ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા દુનિયાનો નંબર-1 ટેસ્ટ સ્પિનર છે પણ તેને એજબેસ્ટનમાં રમાય રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળતા જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ભાવુક વાત કરી હતી. જાડેજાએ લખ્યું હતું કે ‘ભૂતકાળને યાદ રાખો, ભવિષ્ય માટે પ્લાન બનાવો પણ આજ માટે જીવો, કારણ કે ભૂતકાળ પસાર થઈ ગયો છે અને આવનાર કાલ ક્યારેય આવતો નથી.’
એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં એકમાત્ર સ્પિનર આર.અશ્વિનને સ્થાન મળ્યું છે. જોકે બે સ્પિનર રમાડ્યા હોત તો પણ જાડેજાનો નંબર ન આવ્યો હોત, કારણ કે અશ્વિન પછી કુલદીપ યાદવ દાવેદાર છે. ટેસ્ટમાં સ્થાન માટે અશ્વિન અને કુલદીપ વચ્ચે જંગ છે. જો આગામી ટેસ્ટ મુકાબલામાં પિચ સ્પિન ફ્રેન્ડલી હશે તો પણ કદાચ જાડેજા નહીં પણ કુલદીપ રમે તેવી સંભાવના છે.