કપિલ દેવની આગેવાનવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ શુક્રવારે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે 6 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કરશે. ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પોતાનું પદ જાળવી રાખે તેવી પ્રબળ સંભાવના છે. શાસ્ત્રી સિવાય જે મોટો નામો છે તેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડી, ન્યૂઝીલેન્ડ અને કિંગ્સ ઇલેવન પંજાબના પૂર્વ કોચ માઇક હેસન, ભારતના લાલચંદ રાજપૂત, રોબિન સિંઘ અને વેસ્ટ ઇન્ડીઝના ફિલ સિમન્સનો સમાવેશ થાય છે.
શાસ્ત્રીની દાવેદારી મજબૂત
શાસ્ત્રી 2017માં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે જોડાયા પછી રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. આ દરમિયાન ભારતે ગત વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. શાસ્ત્રીના માર્ગદર્શનમાં જુલાઈ 2017થી ભારતે 21 ટેસ્ટમાં 13માં જીત મેળવી છે. ટી-20માં 36 મેચમાંથી 25 મેચમાં જીત મેળવી છે. જ્યારે વન-ડેમાં 60 માંથી 43 મેચમાં જીત મેળવી છે. જોકે વર્લ્ડ કપમાં ટીમ સેમિ ફાઇનલથી આગળ વધી શકી ન હતી. આ પછી ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કેપ્ટન કોહલીના સાર્વજનિક સમર્થન પછી શાસ્ત્રીને 2021માં ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે ફરીથી જવાબદારી આપશે તો આશ્ચર્ય થશે નહીં.
આ પણ વાંચો - લદ્દાખમાં તિરંગો ફરકાવ્યા પછી સિયાચીન ગયો લેફ્ટિનેન્ટ કર્નલ ધોની
સ્કાઇપથી ઇન્ટરવ્યૂ થશે
શાસ્ત્રી સ્કાઇપ દ્વારા ઇન્ટરવ્યૂ આપે તેવી સંભાવના છે. જ્યારે લાલચંદ રાજપૂત, હેસન અને રોબિન સિંહ પેનલ સામે હાજર થશે. પેનલના અન્ય બે સભ્ય અંશુમાન ગાયકવાડ અને પૂર્વ મહિલા કેપ્ટન શાંતા રંગાસ્વામી છે.
શાસ્ત્રીને ટોમ મૂડીથી મળશે ટક્કર?
રવિ શાસ્ત્રીને માઇક હેસન અને ટોમ મૂડીથી ટક્કર મળી શકે છે. હેસનની ગણના ચાલાક કોચોમાં થાય છે. જ્યારે ટોમ મૂડી આઈપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ઘણા સફળ રહ્યા છે. મૂડી આ પહેલા પણ કોચનું ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે પણ તેમની પસંદગી થઈ ન હતી.
સપોર્ટ સ્ટાફનો દાવેદાર કોણ?
ટીમ ઇન્ડિયાના મેનેજર સુનીલ સુબ્રમણ્યમનું પદ પણ દાવેદારો માટે હશે કારણ કે ખરાબ વર્તુણકને કારણે તેમને ફરીથી આ પદ મળે તેવી સંભાવના ઓછી છે. બોલિંગ કોચ તરીકે ભરત અરુણ લગભગ ફાઇનલ છે. જોકે બેટિંગ કોચ માટે સંજય બાંગર વિશે આમ કહી શકાય નહીં. આ રેસમાં વિક્રમ રાઠોડ સૌથી આગળ છે. ફિલ્ડિંગ કોચના રુપમાં આર શ્રીધરનો કાર્યકાળ આગળ વધી શકે છે પણ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ફીલ્ડર જોન્ટી રોડ્સ પડકાર આપી શકે છે.