ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ રવિવારે ખુલાસો કર્યો છે કે સીનિયર સ્પિનર રવિન્દ્ર જાડેજા જ્યારે રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો ત્યારે જ તેના ખભામાં દુખાવો હતો અને ઓસ્ટ્રેલિયા પહોંચ્યાના ચાર દિવસ પછી તેને ઇંજેક્શન આપવામાં આવ્યા હતા.
જાડેજાની ફિટનેસનો મુદ્દો આશ્ચર્યકારક છે કારણ કે પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેનો 13 સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો હતો. આટલું જ નહીં તે ઓસ્ટ્રેલિયાની બંને ઇનિંગ્સમાં મોટાભાગનો સમય ફિલ્ડિંગ કરતો પણ જોવા મળ્યો હતો. જેના કારણે તેની ઇજા પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે જાડેજા સાથે સમસ્યા એ હતી કે તેના ખભા જકડી ગયા હતા જેથી ઓસ્ટ્રેલિયાના આવ્યાના ચાર દિવસ પછી તેને ઇંજેક્શન આપવામાં આવ્યા હતા. અસર થવામાં થોડો સમય લાગ્યો હતો. જ્યારે તે ભારતમાં હતો ત્યારે જ તેના ખભામાં દુખાવો હતો આમ છતા તે ઘરેલું ક્રિકેટ રમ્યો હતો. ઓસ્ટ્રેલિયા આવ્યા પછી ફરી પરેશાની થઈ હતી.
શાસ્ત્રીના નિવેદન પછી સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું સંપૂર્ણ રીતે ફિટ ન હોવા છતા રવિન્દ્ર જાડેજાને ઓસ્ટ્રેલિયા પ્રવાસે લાવવામાં આવ્યો હતો. કોચે સ્વિકાર કર્યો હતો કે જાડેજાને સ્વસ્થ થવામાં આશા કરતા વધારે સમય લાગ્યો છે. અમે સાવધાની રાખવા માંગીએ છીએ. તમે એમ ન ઇચ્છો કે 5 કે 10 ઓવર ફેક્યા પછી કોઈ બોલર બહાર થઈ જાય. જેથી પર્થની વાત કરવામાં આવે તો તે 70 થી 80 ટકા ફિટ હતો અને અમે બીજી ટેસ્ટમાં તેને લઈને જોખમ ઉઠાવવા માંગતા ન હતા. જો મેલબોર્નમાં 80 ટકા ફિટ હશે તો તે રમશે.
શાસ્ત્રીએ કહ્યું હતું કે ફિટનેસ ચિંતાની વાત છે. રોહિત શર્મા પીઠની ઈજાથી બહાર આવી ગયો છે અને નેટ અભ્યાસ શરુ કરી દીધો છે. જ્યારે આગામી 48 કલાકમાં અશ્વિન પર નજર રાખવામાં આવશે. હાર્દિક પંડ્યા ફિટ થઈ ગયો છે. જોકે હાલ કશું કહી ના શકીએ કે તે અંતિમ 11માં સ્થાન મેળવશે કે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર