રાશિદ ખાન (Rashid Khan) તેની શાનદાર બોલિંગ માટે જાણીતો છે. પરંતુ IPL 2022માં પણ તેણે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. બુધવારે રાત્રે રમાયેલી મેચમાં તેણે 20મી ઓવરમાં 3 સિક્સર સહિત 25 રન બનાવ્યા અને ગુજરાત ટાઇટન્સને રોમાંચક જીત (Gujarat Titans Won match) અપાવી હતી. T20 લીગની 40મી મેચમાં હૈદરાબાદે પહેલા રમતા 6 વિકેટે 195 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 22 રન કરવાના હતા. પરંતુ રાહુલ તેવટિયા (Rahul Tevatiya) અને રાશિદે શાનદાર બેટિંગ કરી હતી અને છેલ્લા બોલ પર ટીમને રોમાંચક જીત અપાવી હતી. 8 મેચમાં ગુજરાતની આ 7મી જીત છે. ટીમ ફરી 14 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની 20મી ઓવરમાં ડાબા હાથના ફાસ્ટ બોલર માર્કો યેન્સને મુક્યો હતો. રાહુલ તેવટિયાએ પ્રથમ બોલ પર મિડવિકેટ પર સિક્સર ફટકારી હતી. બીજા બોલ પર તેણે રન લીધો હતો. ત્રીજા બોલ પર રાશિદ ખાને ડીપ લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. હવે 3 બોલમાં 9 રન થવાના હતા. પરંતુ ચોથા બોલ પર તે રન બનાવી શક્યો નહોતો. એવું લાગી રહ્યું હતું કે યેન્સન મેચ બચાવી લેશે. તેણે અગાઉ RCB સામે એક જ ઓવરમાં ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી સહિત 3 વિકેટ ઝડપી હતી.
છેલ્લા 2 બોલમાં ફટકાર્યા 2 છગ્ગા
રાશિદ ખાને છેલ્લા 2 બોલમાં 2 છગ્ગા ફટકારીને વિજયને રોમાંચક જીત અપાવી હતી. તેણે 5માં બોલ પર એક્સ્ટ્રા કવર પર સિક્સર ફટકારી. ત્યાર પછી છેલ્લા બોલ પર તેણે ફાઈન લેગ પર સિક્સર ફટકારીને ટીમની જીત અપાવી હતી. IPLમાં બીજી વખત કોઈ ટીમે છેલ્લી ઓવરમાં 22 કે તેથી વધુ રન બનાવીને મેચ જીતી છે. અગાઉ 2016માં એમએસ ધોનીની ટીમ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સ સામે 23 રન બનાવીને જીત મેળવી હતી. ત્યારબાદ બોલર અક્ષર પટેલ અને બેટ્સમેન એમએસ ધોની હતા. ધોનીએ આ ઓવરમાં 3 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. વાઈડમાંથી એક રન મળ્યો હતો. ત્યારે પુણેને છેલ્લા બોલ પર 6 રન બનાવવાના હતા.
છેલ્લી ઓવરમાં બંને ટીમના 25 રન
મેચમાં બંને ટીમોએ છેલ્લી ઓવરમાં 25 રન બનાવ્યા હતા. હૈદરાબાદ જ્યારે બેટિંગ કરી રહ્યું હતું. ત્યારે 20મી ઓવર ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને ફેંકી હતી. તે સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. માર્કો યેન્સને પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. બીજા બોલ પર કોઈ રન થયો નહીં. ત્રીજા બોલ પર તેણે એક રન લીધો. આગલા ત્રણ બોલ પર IPLમાં પ્રથમ વખત બેટિંગ કરી રહેલા શશાંક સિંહે સિક્સર ફટકારીને ટીમના સ્કોરને 190ની પાર પહોંચાડી દીધો હતો.
રાશિદ ખાને 11 બોલમાં 31 રન બનાવ્યા હતા. તેણે 4 સિક્સર ફટકારી હતી. હાલમાં રમઝાન ચાલી રહ્યો છે અને રાશિદ પણ ઉપવાસ કરી રહ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં તેણે કહ્યું કે મેં મેચ પહેલા કંઈ ખાધું ન હતું. માત્ર પાણી પીને મેચ રમવા માટે ઉતર્યો હતો. થોડો થાક લાગે છે પણ મેદાનમાં ઉતરતા જ તે દૂર થઇ જાય છે.