Tokyo Olympics: પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, 2 ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની

પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, 2 ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની

Tokyo Olympics: 125 વર્ષના ઓલિમ્પિક ઈતિહાસમાં માત્ર બે ભારતીય ખેલાડીઓ જ બે વ્યક્તિગત મેડલ જીતવામાં સફળ રહ્યા છે. પીવી સિંધુ આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા અને એકંદરે બીજી ખેલાડી છે.

  • Share this:
    ટોક્યો : પીવી સિંધુ (PV Sindhu) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે ચીનની હી બિંગ જિયાઓ (He Bing Jiao)ને હરાવ્યા બાદ આ મેડલ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે પીવી સિંધુ (PV Sindhu) સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. ભારતીય સ્ટાર શટલરે અગાઉ 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

    પીવી સિંધુ (PV Sindhu)નો બ્રોન્ઝ મેડલ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતનો બીજો મેડલ છે. ભારતે ટોક્યોમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ દ્વારા પ્રથમ મેડલ મેળવ્યો હતો. બોક્સર લવલીના પણ ફાઇનલમાં પહોંચી છે. તે હવે ગોલ્ડ મેડલના મુકાબલામાં ઉતરશે. જો તે આ મેચ જીતી નહીં શકે તો પણ તે સિલ્વર મેડલ સાથે દેશ પરત ફરશે.

    છઠ્ઠા ક્રમાંકિત પીવી સિંધુ (PV Sindhu) અને આઠમા ક્રમાંકિત હીં બિંગ ઝીઓ વચ્ચે રવિવારે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ ટક્કર થઈ હતી. એક દિવસ પહેલા તાઈ યૂ યિંગ સાથેના મુકાબલો ગુમાવનાર પીવી સિંધુ રવિવારે શાનદાર લયમાં જોવા મળી હતી. તેણે ચીનની સ્ટાર શટલર હી બિંગ જિયાઓને 21-13, 21-15થી હરાવી હતી. તેને આ મેચ જીતવામાં 52 મિનિટ લાગી.

    છેલ્લી કેટલીક મેચોમાં સાવધાનીપૂર્વક રમનાર પીવી સિંધુએ બિંગ ઝીઓ સામે આક્રમક રમત દર્શાવી હતી અને જબરદસ્ત સ્મેશ ફટકાર્યા હતા. ભારતીય શટલરને પણ આનો ફાયદો મળ્યો અને તેણે શરૂઆતથી જ આગેવાની લીધી. સિંધુએ બિંગ ઝિયાઓની જમણી બાજુએ મોટાભાગના સ્મેશ રમ્યા, જેથી તેણીએ બેકહેન્ડ પરત કરવું પડ્યું. હી બિંગ ઝીઓ વિશે વાત કરીએ તો, તે નેટમાં સારું રમી, પરંતુ એકંદર રમતમાં પાછળ પડી ગઈ.

    તમને જણાવી દઈએ કે, 125 વર્ષના ઓલિમ્પિક ઈતિહાસમાં માત્ર બે ભારતીય ખેલાડીઓ જ બે વ્યક્તિગત મેડલ જીતવામાં સફળ રહ્યા છે. પીવી સિંધુ (PV Sindhu) આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા અને એકંદરે બીજી ખેલાડી છે. સુશીલ કુમારે ભારત માટે પ્રથમ વખત આ પરાક્રમ કર્યું હતું. તેણે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
    Published by:kiran mehta
    First published: