પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિરે ફક્ત 27 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આમિરે એવા સમયે નિવૃત્તિની જાહેરાત કરી છે જ્યારે તે કારકિર્દીના શાનદાર ફોર્મમાં છે. રિપોર્ટ પ્રમાણે આમિર હવે પાકિસ્તાન તરફથી રમવા માંગતો નથી અને તેણે બ્રિટનની નાગરિકતા માટે આવેદન કર્યું છે.
પાકિસ્તાનના અખબાર ધ ટ્રિબ્યૂનના મતે તેણે સ્પાઉઝ વિઝા (જે પત્નીની નાગરિકતાના આધારે આપવામાં આવે છે)માટે આવેદન કર્યું છે. શરુઆતમાં આ વિઝા 30 મહિનાના હોય છે. આ પછી જો વિઝાધારક બધા નક્કી કરેલા માનકો ઉપર ખરો ઉતરે તો તેને સ્થાયી નાગરિકતા અને બ્રિટિશ પાસપોર્ટ પણ મળી જાય છે. પાકિસ્તાનનો આ બોલર બ્રિટનમાં ઘર ખરીદવાની તૈયારી પણ કરી રહ્યો છે. આમિરે 2016માં બ્રિટિશ નાગરિક નરગિસ સાથે લગ્ન કર્યા છે.
આમિર બ્રિટનમાં જેલની સજા કાપી ચૂક્યો છે આ બોલર માટે સ્થાયી નાગરિકતા માટે એક સૌથી મોટી પરેશાની એ આવી શકે છે, જેમાં સ્પોટ ફિક્સિંગ મામલામાં બ્રિટનની કોર્ટે તેને દોષિત માન્યો છે. આ મામલામાં તે બ્રિટનની જેલમાં સજા પણ કાપી ચૂક્યો છે. બીજી તરફ તેના પક્ષમાં એ વાત છે કે તે સજા કાપ્યા પછી ઘણી વખત બ્રિટન જઈ ચૂક્યો છે અને ત્યાં તે કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યો છે.
રિપોર્ટ પ્રમાણે સાથી ખેલાડીઓને પણ એ વાતની જાણકારી છે કે આમિર પાકિસ્તાનમાં રહેવા માંગતો નથી અને આ ટીમ તરફથી રમવા પણ માંગતો નથી. તે પોતાનું આગળનું ભવિષ્ય બ્રિટનમાં જોઈ રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર