હરિસ સોહેલ (89) અને બાબર આઝમ (69)ની અડધી સદી બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી પાકિસ્તાને આઈસીસી વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 49 રને વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 308 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટે 259 રન બનાવ્યા હતા.
આ જીત સાથે પાકિસ્તાને સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાનો પાંચમો પરાજય થતા વર્લ્ડ કપના અભિયાનનો અંત આવ્યો છે.
અમલા 2 રને આમિરને ઓવરમાં એલબી આઉટ થયો હતો. ડી કો અને પ્લેસિસે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી નોંધાવી હતી. શાદાબે ડી કોકને 47 રને આઉટ કરી બીજી સફળતા અપાવી હતી. માર્કરામ 7 રન બનાવી આઉટ થયો હતો.
પ્લેસિસે 66 બોલમાં 4 ફોર સાથે અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. આ પછી તે 63 રને આમિરનો શિકાર બન્યો હતો. પ્લેસિસ આઉટ થતા જ ટીમનો પરાજય નિશ્ચિત બન્યો હતો.
પાકિસ્તાન તરફથી વહાબ રિયાઝ અને શાદાબ ખાને સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.
અગાઉ પાકિસ્તાનનો ફખર ઝમાન 44 રન બનાવી તાહિરનો શિકાર બન્યો હતો. ઝમાન અને ઇમામ ઉલ હકે પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. આ પછી તાહિરે ઇમામ ઉલ હકને 44 રને આઉટ કરી બીજી સફળતા અપાવી હતી. મોહમ્મદ હફિઝને જીવનદાન મળ્યું હોવા છતા તે કમાલ કરી શક્યો ન હતો અને 20 રને માર્કરામનો શિકાર બન્યો હતો.
બાબર આઝમે બાજી સંભાળતા 61 બોલમાં 5 ફોર સાથે 50 રન પૂરા કર્યા હતા. જોકે તે અડધી સદી ફટકારી વધારે ટક્યો ન હતો અને 69 રને ફેલુકવાયોનો શિકાર બન્યો હતો. બાબરે સોહેલ સાથે 81 રનની ભાગીદારી નોંધાવી હતી.
હરિસ સોહેલે શાનદાર બેટિંગ કરતા 59 બોલમાં 9 ફોર અને 3 સિક્સર સાથે 89 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી એન્ગિડીએ 3 વિકેટ, જ્યારે તાહિર, ફેલુકવાયો અને માર્કરામે 1-1 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન ટીમમાં બે ફેરફાર કર્યા હતા. શોએબ મલિક અને હસન અલીના સ્થાને હરિસ સોહેલ અને શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ કરાયો છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી.