Home /News /sport /પાકિસ્તાનનાં આ બોલરને ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ બેરહેમીથી ઝૂડયો, એક જ દિવસમાં આપી દીધા 160 રન

પાકિસ્તાનનાં આ બોલરને ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ બેરહેમીથી ઝૂડયો, એક જ દિવસમાં આપી દીધા 160 રન

પાકિસ્તાની બોલરને એવો ઝૂડયો... બોલિંગ ભૂલી જશે

Pakistan vs England: પાકિસ્તાન સામે રાવલપિંડીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ઈંગ્લેન્ડે 4 વિકેટે 506 રન બનાવ્યા છે. આ સાથે અનેક રેકોર્ડ પણ તૂટ્યા છે.

    બેન સ્ટોક્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ટીમનો ટેસ્ટ ક્રિકેટનો ચહેરો બદલાઈ ગયો છે. પાકિસ્તાન વિરૂદ્ધ 3 મેચની ટેસ્ટ શ્રેણી ગુરુવારથી શરૂ થઈ છે. રાવલપિંડીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ઈંગ્લેન્ડે 4 વિકેટે 506 રન બનાવ્યા છે.

    પ્રથમ દિવસે માત્ર 75 ઓવર રમાઈ હતી. ઇંગ્લિશ ટીમે 6.74ની રન રેટથી રન બનાવ્યા હતા. તેના પરથી તેની આક્રમક બેટિંગનો અંદાજ લગાવી શકાય છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલા દિવસે 500 રન ક્યારેય નથી બન્યાં. ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી.

    ઝાહીદ મહેમુદે 160 રન આપ્યા 

    પાકિસ્તાનનાં બોલર ઝાહીદ મહેમુદને 75 માંથી 23 ઓવર્સ નખવવામાં આવી હતી. જેમાં તેણે બે વિકેટ્સ ખેરવીને 160 રન આપ્યા હતા. પ્રથમ ઇનિંગમાં જ 7ની ઈકોનોમીથી આટલા બધા રન આપનાર પાકિસ્તાની બોલરની ક્રિકેટ જગતમાં આલોચના થઈ રહી છે. આ સિવાય નસિમ શાહ અને મહોમ્મદ અલીએ પણ 96-96 રન આપ્યા હતા. આ ઇનિંગમાં હજુ ઈંગ્લેન્ડની ચાર જ વિકેટ પડી છે અને એક જ દિવસની રમત પૂરી થઈ છે એવામાં ટીમ  ટોટલ 1000 રન કરી બતાવે તો નવાઈ નહીં.

    આ અગાઉ 1910માં ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ દિવસે સૌથી વધુ 494 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લિશ ટીમે 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ત્યારબાદ પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી.

    એક દિવસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માત્ર ઈંગ્લેન્ડના નામે

    ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 145 વર્ષ પહેલા 1877માં થઈ હતી. એકંદરે આ માત્ર 5મી વખત બન્યું છે જ્યારે એક દિવસમાં 500 કે તેથી વધુ રન બન્યા હોય. એક દિવસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માત્ર ઈંગ્લેન્ડના નામે છે. તેણે 1936માં માન્ચેસ્ટરમાં રમાયેલી મેચના બીજા દિવસે ભારત સામે 588 રન બનાવ્યા હતા.

    આ સિવાય ઈંગ્લેન્ડે 1924માં દક્ષિણ આફ્રિકા સામે 522, શ્રીલંકાએ 2002માં બાંગ્લાદેશ સામે 509, ઈંગ્લેન્ડે 1935માં દક્ષિણ આફ્રિકા સામે 508 રન બનાવ્યા હતા. હવે ફરી એકવાર રાવલપિંડીમાં પાકિસ્તાન સામે આવું થયું છે. પાકિસ્તાન સામે પ્રથમ વખત કોઈ ટીમે એક દિવસમાં 500 રન બનાવ્યા છે.

    મેચના પહેલા જ દિવસે 4 બેટ્સમેનોએ સદી ફટકારી

    ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રોલીએ 122, બેન ડકેટે 107, ઓલી પોપે 108 અને હેરી બ્રુકે અણનમ 101 રન બનાવ્યા હતા. ટેસ્ટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે મેચના પહેલા દિવસે 4 બેટ્સમેનોએ સદી ફટકારી હોય. પાકિસ્તાને મેચમાં 6 બોલરોને અજમાવ્યા અને બધાએ 5.50થી વધુની ઈકોનોમી સાથે રન આપ્યા.

    આ પણ વાંચો: FIFA 2022: વધુ એક મેજર અપસેટ! વર્લ્ડકપ જીતવા માટે દાવેદાર જર્મન ટીમ ફેંકાઇ ગઈ, સ્પેનને હરાવીને જાપાન નોકઆઉટમાં

    ઈંગ્લેન્ડના બેટ્સમેનો હવે એક ઈનિંગમાં સૌથી વધુ 5 સદીનો વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી શકે છે. ઓસ્ટ્રેલિયાએ 1955માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને પાકિસ્તાને 2001માં બાંગ્લાદેશ સામે આવું કર્યું હતું. કેપ્ટન બેન સ્ટોક્સ 34 રન બનાવીને ક્રિઝ પર છે.

    આ પણ વાંચો: FIFA માં આવેલા બ્રાઝિલના એક પરિવારે ઇસ્લામ કબૂલ્યો, કતાર પર વર્લ્ડ કપની આડમાં ઇસ્લામના પ્રચારનો આરોપ

    હવે સૌની નજર તેના પર છે કે શું ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 1000 રન સુધી પહોંચી શકશે કે નહીં. અત્યાર સુધી માત્ર 2 વખત 900થી વધુ રન બની શક્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર શ્રીલંકાએ 1997માં ભારત સામે બનાવ્યો હતો, જ્યારે તેણે 952 રન બનાવ્યા હતા. તે જ સમયે ઈંગ્લેન્ડે 1938માં ઓસ્ટ્રેલિયા સામે 903 રન બનાવ્યા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, Sports news, Sports News in Gujarati

    विज्ञापन
    विज्ञापन