Ban vs Pak : જીતીને પણ હારી ગયું પાકિસ્તાન, વર્લ્ડ કપમાંથી બહાર

ઇમામ ઉલ હકની સદી, બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો 94 રને વિજય, શાહીન શાહ આફ્રિદીની 6 વિકેટ

ઇમામ ઉલ હકની સદી, બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો 94 રને વિજય, શાહીન શાહ આફ્રિદીની 6 વિકેટ

  • Share this:
    ઇમામ ઉલ હકની સદી (100) અને બાબર આઝમના 96 રન બાદ શાહીન શાહ આફ્રિદીના ચુસ્ત બોલિંગ પ્રદર્શન (6 વિકેટ)ની મદદથી પાકિસ્તાને આઈસીસી વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે 94 રને વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટે 315 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 44.1 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાનને સેમિ ફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને 7 રનમાં ઓલઆઉટ કરવું જરુરી હતું પણ તેમ ન બનતા પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડના 11-11 પોઇન્ટ છે પણ ઓછી રનરેટના કારણે પાકિસ્તાનના વર્લ્ડ કપના અભિયાનનો અંત આવ્યો છે.

    બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધારે 64 રન બનાવ્યા હતા. લિટ્ટન દાસે 32 અને મહમદુલ્લાહે 29 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ સૌથી વધારે 6 વિકેટ ઝડપી હતી.

    ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની શરુઆત ખરાબ રહી હતી. ફખર ઝમાન 13 રને આઉટ થયો હતો. ઇમામ અને બાબર આઝમે બીજી વિકેટ માટે 157 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. બાબર 98 બોલમાં 11 ફોર સાથે 96 રન બનાવી સૈફુદ્દીનનો શિકાર બન્યો હતો. ઇમામ 100 બોલમાં 7 ફોર સાથે 100 રન બનાવી હિટ વિકેટ થયો હતો.

    આ પણ વાંચો - ક્રિકેટ પ્રેમીઓના ગુસ્સાથી પાકિસ્તાની ખેલાડીઓએ ઘર વાપસીની ટિકિટ રદ કરાવી!

    મોહમ્મદ હફિઝ 27, હરિસ સોહેલ 6 રન બનાવી આઉટ થયા હતા. સરફરાઝ અહમદ 3 રન બનાવી અણનમ રહ્યો હતો. ઇમાદ વસીમે 26 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 43 રન ફટકારી સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો.

    બાંગ્લાદેશ તરફથી મુશ્તાફિઝુર રહેમાને સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. સૈફુદ્દીને 3, જ્યારે મહેંદી હસને 1 વિકેટ ઝડપી હતી.

    સેમિ ફાઇનલમાં ચાર ટીમો નક્કી
    વર્લ્ડ કપ 2019માં સેમિ ફાઇનલની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચ્યું અને આ પછી ભારતીય ટીમે અંતિમ ચારમાં સ્થાન બનાવ્યું હતું. ત્રીજા નંબરે ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં પહોંચ્યું હતું. ચોથી ટીમ તરીકે ન્યૂઝીલેન્ડે સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.

    9 જુલાઈથી સેમિ ફાઇનલ મુકાબલા

    વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલ 9 જુલાઈના રોજ માન્ચેસ્ટરમાં અને બીજી સેમિ ફાઇનલ 11 જુલાઈના રોજ બર્મિઘમમાં રમાશે. જ્યારે 14 જુલાઈને રવિવારે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર ફાઇનલ રમાશે.
    First published: