બોલરોના શાનદાર પ્રદર્શન પછી ઇમાદ વસીમના અણનમ 49 રનની મદદથી પાકિસ્તાને આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 49.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.
આ જીત સાથે પાકિસ્તાન 8 મેચમાં 9 પોઇન્ટ સાથે ચોથા સ્થાને આવી ગયું છે. તેણે સેમિ ફાઇનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત બનાવી રાખી છે.
ફખર ઝમાન ખાતું ખોલાયા વિના આઉટ થતા પાકિસ્તાનની શરુઆત ખરાબ રહી હતી. ઉમામ ઉલ હક(36) અને બાબર આઝમે(45) બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. આ પછી હફિઝ 19, હરિસ સોહેલ 27 અને સરફરાઝ અહમદ 18 રને આઉટ થતા પાકિસ્તાને 156 રને છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. અંતમાં ઇમાદ વસીમે અણનમ 49 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
અગાઉ અફઘાનિસ્તાનના અશગર અફઘાન અને નજીબુલ્લાહ ઝરદાને 42-42 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય રહમત શાહે 35, ઇકરામ અલીએ 24 રનની ઇનિંગ્સ રમી હતી. અશગર અને ઇકરામે સૌથી વધારે 64 રનની ભાગીદારી નોંધાવી હતી.
પાકિસ્તાન તરફથી શાહિન શાહ આફ્રિદીએ 4 વિકેટ, ઇમાદ વસીમ-વહાબ રિયાઝે 2-2 વિકેટ, જ્યારે શાદાબ ખાને 1 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર