1996ના વર્લ્ડ કપનો એ કાળો દિવસ જે આજે પણ હ્યદયને કંપાવી દે છે, કાંબલી પણ રડી પડ્યો હતો

​1996ના વર્લ્ડ કપનો એ કાળો દિવસ જે આજે પણ હ્યદયને કંપાવી દે છે, કાંબલી પણ રડી પડ્યો હતો

ભારતીય ક્રિકેટર ખેલાડીઓ અને ચાહકો 1996ના માર્ચ મહિનાની 13મી તારીખ ક્યારેય નહીં ભૂલી શકે

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર ખેલાડીઓ અને ચાહકો 1996ના માર્ચ મહિનાની 13મી તારીખ ક્યારેય નહીં ભૂલી શકે. વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં શ્રીલંકા સામે ભારતની હારને ચાહકો પચાવી શક્યા ન હતા. તે મેચ ઇડન ગાર્ડનમાં રમાઈ હતી. શ્રીલંકા તે સમયે ફોર્મમાં હતું. ટોસ જીતીને ભારતીય કેપ્ટન અઝહરૂદ્દીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. જવાગલ શ્રીનાથે શ્રીલંકાના ટોપના બેટ્સમેન જયસૂર્યા અને કાલુવિથરાનાની વિકેટ લઈ લેતા મેચ પ્રારંભિક તબક્કે ભારતની તરફેણમાં દેખાવા લાગી હતી. ઉપરાંત શ્રીકાંતે શ્રીલંકાને ત્રીજો ઝટકો આપતા 35 રને ગુરુસિંહની વિકેટ ઝડપી લીધી હતી.

  પિચ ઉપર અરવિંદા ડી સિલ્વા ઉભો હતો. તેણે રોશન મહાનામા સાથે 50 રનની ભાગીદારી કરી હતી. ડી સિલ્વાએ 47 બોલમાં 66 રન બનાવ્યા હતા. ત્યારબાદ મહાનમાએ પણ ફિફટી ફટકારી. 58 રને તે રિટાયર્ડ હર્ટ થયો હતો. રણતુંગા 35, તિલકરત્ન 32, ચામિંડા વાસ 23 રને આઉટ થયા હતા. શ્રીલંકાએ કુલ 50 ઓવરમાં 251 રનનો સ્કોર ખડકયો હતો.

  આ સ્કોરનો પીછો કરતી વખતે નવજોત સિદ્ધુ માત્ર 8 રને આઉટ થયા, જ્યારે સચિન ફોર્મમાં હતો. તેણે સંજય માંજરેકર સાથે 100 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ ભારતને જીતવા માટે 166 બોલમાં 154 રનની જરૂર હતી. તે સમયે ભારતીય ટીમની ક્ષમતા જોતા આ સ્કોર બહુ મોટો ન હતો. જોકે, ત્યારબાદ એક પછી એક વિકેટો પડવા લાગી. અઝહરુદ્દિન, શ્રીનાથ, મોંગિયા, આશિષ કપૂર જેવા ખેલાડીઓનો સ્કોર બે આંકડે પણ ના થયો. ભારતની 120 રનમાં 8 વિકેટ પડી જતા ચાહકો દુઃખમાં ગરકાવ થઈ ગયા.

  આ પણ વાંચો - Ind vs Eng: ભારતના બેટ્સમેનોનો ફ્લોપ શો, પ્રથમ ટી-20માં ઇંગ્લેન્ડ સામે 8 વિકેટે પરાજય

  હવે ભારતને 15 ઓવરમાં 131 રનની જરૂર હતી. વિનોદ કાંબલી અને અનિલ કુમ્બલે રમી રહ્યા હતા. જયસૂર્યાએ સચિન, માંજરેકર અને જાડેજાને પેવેલિયન ભેગા કરી દેતા દર્શકોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. 8મી વિકેટ પડતા જ ઇડન ગાર્ડનનું ક્રાઉડ કાબુ બહાર ચાલ્યું ગયું. બોટલ, કેન, બેગ સહિતની વસ્તુ ગ્રાઉન્ડમાં ફેંકવા લાગ્યા હતા. કેપ્ટન રણતુંગાએ આ બાબત અમ્પાયરના ધ્યાન ઉપર મૂકી હતી અને ફિલ્ડિંગ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

  કેટલાક લોકોએ કાગળ સહિતની વસ્તુઓને આગ લગાડી દીધી હતી. કેટલાક બોલ બોયને ઇજાઓ પણ થઈ હતી, મામલો ગંભીર બન્યો હતો. પરિણામે મેચ રેફરીએ શ્રીલંકાની જીત જાહેર કરી દીધી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કાંબલી લાગણીશીલ થઈ ગયો હતો. પેવેલિયનમાં જતી વખતે તેની આખમાંથી આંસુ સરી પડ્યા હતા. આ નજારો આજે પણ ક્રિકેટપ્રેમીઓ ભૂલી શક્યા નથી. આ મેચ બાદ શ્રીલંકા ફાઇનલ પણ જીતી ગયું હતું. શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.
  Published by:Ashish Goyal
  First published: