નવી દિલ્હી: વરુણ ચક્રવર્તી(Varun Chakravarthy) ને આઈપીએલ 2021 (IPL 2021)ની શોધ કહી શકાય છે. KKR માટે આ ખેલાડી મેચ વિનર તરીકે સામે આવ્યો છે. લેગ સ્પિન થકી ટોચના બેટ્સમેનોને પિચ પર ડાન્સ કરાવનાર આ યુવાનનું નામ આજે બધે જ સાંભળવા મળે છે. તે મિસ્ટ્રી સ્પિનર તરીકે લોકપ્રિય થઈ રહ્યો છે અને હવે તેના માટે T20 વર્લ્ડ કપ માટેના દ્વાર પણ ખુલી ગયા છે.
વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેના મેચથી અભિયાન શરૂ કરશે. જોકે, આ પહેલા ટીમ ઈન્ડિયા અને સિલેક્ટર્સ મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને લઈને એકદમ પરેશાન હતા. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની IPL ક્વોલિફાયર-2ની મેચ દરમિયાન વરુણ લંગડાતો જોવા મળ્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલા વરુણ ચક્રવર્તીને તેની ફિટનેસ અંગે શંકા હતી. જેથી તેને દૂર કરવાની અને ચહલને ટીમમાં સામેલ કરવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ મંગળવારે IPL ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સ સામે તેણે જોરદાર પ્રદર્શન દાખવ્યું હતું. તેણે તેના સ્પેલના પ્રથમ જ બોલ પર વિકેટ ઝડપી હતી. તેણે 2/26ના જબરદસ્ત સ્પેલ નાંખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વરુણે એલિમિનેટર મેચમાં બેંગ્લોર સામે એક પણ વિકેટ લીધી ન હતી અને ત્યારબાદ તે નબળી ફિટનેસને લઈને ચર્ચામાં રહ્યો હતો. તેને આખી ટુર્નામેન્ટ દરમિયાન ઘૂંટણની ઇજા નડી છે. અલબત્ત, કોઈ પણ ટીમ પાસે તેની ગૂગલીનો જવાબ નથી. વરુણે મહેન્દ્રસિંહ ધોનીને માત્ર 12 બોલમાં 3 વખત ક્લીન બોલ્ડ કર્યો છે. ધોની પણ તેની ગુગલી સમજી શક્યો નહોતો.
ઈજા પીછો નથી છોડતી વરુણ ચક્રવર્તીનો
IPL 2020 બાદ વરુણને ભારતીય ટીમમાં ઝડપી જગ્યા બનાવી હતી. તેને ઓસ્ટ્રેલિયન પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પણ તે ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ શક્યો ન હતો અને તે આખો પ્રવાસ ચૂકી ગયો હતો. આવું જ માર્ચ 2021માં ઈંગ્લેન્ડ સામે પણ બન્યું હતું. અંતે વરુણે શ્રીલંકાના પ્રવાસમાં ડેબ્યુ કર્યું હતું. જ્યાં તેણે 3 ટી-20માં બે વિકેટ ઝડપી હતી. તેણે ઓછા રન આપ્યા હતા. જોકે, IPL 2021માં વરુણનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે ટુર્નામેન્ટમાં 18 વિકેટ ઝડપી છે.