નવી દિલ્હી : વર્લ્ડ કપ બાદથી ભલે ટીમ ઈન્ડિયા સતત એક્શનમાં છે પરંતુ તેનો એક સીનિયર ખેલાડી ઘણા લાંબા સમયથી મેદાન પર નથી જોવા મળતો, અમે વાત કરી રહ્યા છીએ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની જે હાલમાં બ્રેક માણી રહ્યો છે. જોકે, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)નું માનવું છે કે હવે ધોનીને કાયમી રીતે બ્રેક આપવાનો સમય આવી ગયો છે. ગાવસ્કરનું કહેવું છે કે ધોનીનો સમય પૂરો થઈ ગયો છે અને હવે તેને ભવિષ્ય તરફ જોવાની જરુર છે.
ધોની વિદાય મેચનો હકદાર
ગાવસ્કરે એક ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું કે, હું પૂરા સન્માન સાથે કહું છું કે એમએસ ધોનીનો સમય પૂરો થઈ ગયો છે. ભારતને હવે આગળ જોવું જોઈએ. ધોનીને બહાર કરતાં પહેલા મેદાનથી વિદાય મળવી જોઈએ.
નોંધનીય છે કે, વર્લ્ડ કપ બાદથી ધોનીના સંન્યાસના અહેવાલો આવતા રહ્યા છે પરંતુ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે સ્પષ્ટ કરી દીધું છે કે ધોનીને ખબર છે કે તેને હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ છોડવાનું છે. સાઉથ આફ્રિકા સીરીઝ શરૂ થતાં પહેલા વિરાટ કોહલીએ પણ કહ્યું હતું કે, સંન્યાસનો નિર્ણય ધોનીનો અંગત નિર્ણય છે. જોકે, સીરીઝ પહેલા વિરાટ કોહલીએ એક ટ્વિટ કર્યુ હતું, ત્યારબાદ તમામને લાગ્યું કે ધોની ક્રિકેટને અલવિદા કહેવાના છે જોકે એવું થયું નહીં.
વર્લ્ડ કપ બાદથી જ ધોની રજા પર જતો રહ્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે ન જવાનો નિર્ણય લીધો હતો અને તે આર્મીની સાથે કાશ્મીરમાં ટ્રેનિંગ કરવા ગયો. ત્યારબાદ ધોનીએ સાઉથ આફ્રિકાની વિરુદ્ધ વનડે અને ટી20 સીરીઝથી પણ પોતાનું નામ પરત લીધું. મૂળે, ધોની અને સિલેક્ટર્સની રણનીતિ આગામી વર્લ્ડ કપથી પહેલા ઋષભ પંતને વધુ તક આપવાની છે. બીજી તરફ, પંત પણ બેટિંગમાં સારું પ્રદર્શન નથી કરી રહ્યો અને સોશિયલ મીડિયા પર સતત પ્રશંસકો ધોનીને પરત લાવવાની વાત કહી રહ્યા છે.