Home /News /sport /ચાર વર્ષમાં ધોની સાથે આ મુશ્કેલી, આ જ કારણે કારકિર્દી જોખમમાં છે!

ચાર વર્ષમાં ધોની સાથે આ મુશ્કેલી, આ જ કારણે કારકિર્દી જોખમમાં છે!

ધોની (ફાઇલ તસવીર)

સ્પષ્ટ છે કે ધોનીની અંદર રન બનાવવાની ભૂખ જરૂર છે, પરંતુ તેનામાં હવે પહેલા જેવું તેજ નથી. આ જ કારણે લોકો હવે તેના સંન્યાસની વાત કરી રહ્યા છે.

મહેન્દ્રસિંહ ધોની...હિન્દુસ્તાનનો એક એવો ખેલાડી જેણે 15 વર્ષની ક્રિકેટની કારકિર્દીમાં અનેક ઇતિહાસ રચ્યા છે. એક એવો કેપ્ટન જેણે 22 ગજની પીચ પર અને 70 ગજના ઘેરામાં હિન્દુસ્તાનને એક નહીં પરંતુ બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે. એક એવો બેટ્સમેન જેણે વન ડે ક્રિકેટમાં 10 હજાર કરતા વધારે રન બનાવ્યા છે. એક એવો બેટ્સમેન જેણે મીડલ ઓર્ડરમાં આવીને ટીમ ઇન્ડિયાને અનેક હારેલી બાજી જીતાડી છે.

જોકે, હવે માહીની અંદર એ જાદુ રહ્યો નથી. હવે ધોનીની કારકિર્દી અંતિમ મુકામ પર છે, આથી જ તેના સંન્યાસની વાતોએ જોર પકડ્યું છે. અમુક લોકો એવું માની રહ્યા છે કે ધોનીમાં હજુ પણ એ તાકાત છે. આથી જ તેણે આગામી ટી-20 વર્લ્ડ કપ સુધી રમવું જોઈએ. જોકે, આંકડા આ વાતનું સમર્થન નથી કરતા.



ટી-20માં ધોનીનો રેકોર્ડ બહુ ખરાબ

ટી-20 ફોર્મેટમાં ધોનીનો રેકોર્ડ બહુ ખરાબ રહ્યો છે. ધોનીએ ટી-20માં 37.60ની સરેરાશ સાથે 1617 રન બનાવ્યા છે. જોકે, એક રસપ્રદ વાત એ છે કે તે 42 વખત નોટઆઉટ રહ્યો છે. જો આપણે તેની ઇનિંગ્સ પ્રમાણે સરેરાશ કાઢીએ તો તે ઘટીને ફક્ત 19.02 આવે છે. ટી-20માં ધોનીએ ફક્ત બે અડધી સદી ફટકારી છે અને તેની સ્ટ્રાઇક રેટ 126.13 છે, જે તેના આઈપીએલ સ્ટ્રાઇટ રેટથી 14 અંક ઓછી છે. એટલું જ નહીં ટી-20માં ધોની દર પારીમાં ફક્ત 1.98 બાઉન્ડ્રી ફટકારે છે, આઈપીએલમાં આ આંકડો લગભગ 3 છે. વર્ષ 2017માં ડેથ ઓવર્સમાં ધોનીની સ્ટ્રાઇક રેટ ફક્ત 125 છે.



તાજેતરનો વન ડે રેકોર્ડ સૌથી ખરાબ

ધોનીનો તાજેતરનો વન ડે રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. વર્ષ 2015માં વર્લ્ડ કપ બાદ તેનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે. 2016 અને 2018નું વર્ષ ધોનીની કારકિર્દીનું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. વર્ષ 2016માં તેણે ફક્ત 27.8ની સરેરાશથી 278 રન બનાવ્યા અને 2018માં તેની સરેરાશ 25 થઈ ગઈ હતી. વર્ષ 2017માં તેની સરેરાશ વધીને 60.61 થઈ હતી. આ વર્ષે તેની સરેરાશ 60થી વધારે છે. જોકે, ધોનીની સરેરાશ નહીં પરંતુ તેની સ્ટ્રાઇક રેટ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે.



છેલ્લા ચાર વર્ષમાં ધોનીની સ્ટ્રાઇક રેટમાં ઘણો તફાવત આવી ગયો છે. વર્ષ 2018માં તેની સ્ટ્રાઇક રેટ ફક્ત 71.42 રહી હતી. વર્ષ 2019માં ધોનીએ આઠ પારીમાં 404 રન ભલે બનાવ્યા પરંતુ તેની સ્ટ્રાઇક રેટ ફક્ત 76.66 રહી છે. વર્ષ 2019માં વર્લ્ડ કપમાં તે ટીમ ઇન્ડિયાને બે મેચ જીતાડવામાં નિષ્ફળ રહ્યો હતો. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ સામે જ્યારે બીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે હતી. સ્પષ્ટ છે કે ધોનીની અંદર રન બનાવવાની ભૂખ જરૂર છે, પરંતુ તેનામાં હવે પહેલા જેવું તેજ નથી. આ જ કારણે લોકો હવે તેના સંન્યાસની વાત કરી રહ્યા છે.
First published:

Tags: Dhoni Retirement, Ms dhoni, T20, ભારતીય ક્રિકેટ ટીમ