ઇંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડેમાં આ 3 રેકોર્ડ્સ પર મહેન્દ્રસિંહ ધોનીની નજર

 • Share this:
  ભારતના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની નજર ઇંગ્લેન્ડ સામે ગુરુવારથી શરૂ થનારી ત્રણ વન-ડે મેચની શ્રેણી દરમિયાન કેટલાક નવા રેકોર્ડ બનાવવા તરફ રહેશે. જેમાં આ ફોર્મેટમાં 10 હજાર રન પુરા કરવાનો રેકોર્ડ પણ સામેલ છે. ધોનીએ અત્યાર સુધી 318 વન-ડેમાં 9967 રન બનાવ્યા છે. તેને 10 હજાર રનની ક્લબમાં સામેલ થવા માટે હવે ફક્ત 33 રનની જરૂર છે.

  જો તેને ગુરુવારે પ્રથમ વન-ડેમાં બેટિંગ કરવાની તક મળશે અને આ સિદ્ધિ મેળવશે તો વન-ડેમાં 10 હજાર રન ફટકારનાર ભારતનો ચોથો અને વર્લ્ડનો 12મો ખેલાડી બનશે. ભારતના અત્યાર સુધી ત્રણ બેટ્સમેન સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જ વન-ડેમાં 10 હજાર રન ફટકારવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ધોનીએ ભારત તરફથી 9793 અને એશિયા ઇલેવન તરફથી 174 રન બનાવ્યા છે.

  ધોની દશ હજારી ઉપરાંત ઇંગ્લેન્ડ સામે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન પણ બની શકે છે. આ માટે તેને 98 રનની જરૂર છે. બંને ટીમો વચ્ચે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ હાલ યુવરાજ સિંહ (1523 રન)ના નામે છે. ધોની 1425 રન બનાવી ત્રીજા સ્થાને છે. સચિને 1455 રન બનાવ્યા છે.

  વિકેટકિપિંગમાં પણ ધોની એક નવી સિદ્ધિ મેળવી શકે છે. તેને વિકેટ પાછળ 300 કેચ પુરા કરવામાં ફક્ત ત્રણ કેચની જરૂર છે. તેણે અત્યાર સુધી 297 કેચ કર્યા છે. વર્લ્ડ ક્રિકેટમાં વન-ડેમાં અત્યાર સુધી ફક્ત એડમ ગિલક્રિસ્ટ (417), માર્ક બાઉચર (402) અને કુમાર સંગાકારા (383) જ 300થી વધારે કેચ ઝડપી શક્યા છે. ધોનીએ વન-ડેમાં સૌથી વધારે 107 સ્ટમ્પિંગ પણ કર્યા છે. આમ તેના નામે વન-ડેમાં 404 શિકાર છે.
  Published by:Ashish Goyal
  First published: