ચેન્નાઈ : આ આઈપીએલ (IPL) સિઝનને લઈને પ્રશંસકોમાં આ વખતે ખાસ પ્રકારની ઉત્સુકતા છે. કારણ કે ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સનો દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)ઘણા મહિના પછી મેદાનમાં રમવા ઉતરવાનો છે. ગત વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપ પછી ધોની મેદાન પર ઉતર્યો નથી. જોકે તેની બેટિંગ જોઈને એવું નથી લાગી રહ્યું છે કે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. ધોની હાલ ચેન્નાઈમાં ટીમના કેમ્પનો ભાગ છે. જ્યાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ધોનીએ પોતાની આક્રમક બેટિંગનો નમૂનો બતાવ્યો હતો. જોકે કોરોના વાયરસના કારણે આઈપીએલને 29 માર્ચના બદલે 15 એપ્રિલે શરુ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી ધોનીને મેદાનમાં જોવાં વધારે રાહ જોવી પડશે.
આઈપીએલ (IPL-2020)ની શરુઆત પહેલા બધી ટીમોએ પોતાના કેમ્પમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ ચેપોક સ્ટેડિયમમાં ટ્રેનિંગ કેમ્પ શરુ કરી ચૂકી છે. કેમ્પ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રેક્ટિસ મેચ રમી હતી, જેમાં ધોનીએ આક્રમક રન બનાવ્યા હતા. મેચનું લાઇવ ટેલિકાસ્ટ થયું ન હતું પણ રિપોર્ટ પ્રમાણે ધોનીએ આ મુકાબલમાં 91 બોલમાં 123 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો - Corona Virus :ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે બાકી બે વન-ડે મેચ ખાલી સ્ટેડિયમમાં રમશે!
આ મુકાબલાનો વીડિયો યૂટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં ધોની સાથી ખેલાડી સુરૈશ રૈના (Suresh Raina)સાથે બેટિંગ કરતો જોવા મળે છે. બંને સ્પિનર પિયુષ ચાવલા અને કર્ણ શર્મા સામે રમી રહ્યા હતા.
છેલ્લી બે સિઝન ધોની માટે શાનદાર રહી છે. બંને વખતે ટીમે ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. 2018માં તેની ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે ગત વર્ષે 1 રનથી પરાજય થયો હતો. હવે આઈપીએલ-2020માં પણ ધોની બેટિંગ સાથે દમદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા પ્રયત્ન કરશે.
Published by:News18 Gujarati
First published:March 13, 2020, 15:54 pm