એમએસ ધોનીને ફરી મળશે BCCIનો કોન્ટ્રાક્ટ, પૂરી કરવી પડશે આ શરત

એમએસ ધોનીને ફરી મળશે BCCIનો કોન્ટ્રાક્ટ, પૂરી કરવી પડશે આ શરત
એમએસ ધોનીને ફરી મળશે BCCIનો કોન્ટ્રાક્ટ, પૂરી કરવી પડશે આ શરત

કોન્ટ્રાક્ટ પહેલા બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ ધોની સાથે વાત કરી હતી

 • Share this:
  નવી દિલ્હી : મહેન્દ્રસિંહ ધોની(Mahendra Singh Dhoni)ને બીસીસીઆઈએ (BCCI) 2019-20ના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દીધો છે. તે ગત કોન્ટ્રાક્ટમાં ગ્રેડ-એ માં સામેલ હતો. પણ 6 મહિનાથી ટીમ ઇન્ડિયા (Team India)માંથી બહાર રહેવાના કારણે તેનો સમાવેશ કરાયો નથી. જોકે બીસીસીઆઈએ એ સ્પષ્ટ કરી દીધું છે કે ધોની જો ક્રિકેટ રમશે તો તેમને કોન્ટ્રાક્ટમાં સ્થાન મળી જશે. ધોની જો આ વર્ષે ટી-20 ટીમમાં સ્થાન બનાવવા સફળ રહેશે તો તેને ફરી યાદીમાં સ્થાન મળી શકે છે. જોકે તેની સંભાવના ઓછી છે. વર્તમાન નિયમ પ્રમાણે તે જ ખેલાડીને કેન્દ્રીય કરાર આપવામાં આવે છે જે ઓછામાં ઓછી 3 ટેસ્ટ કે 8 વન-ડે રમ્યો હોય. 8 ટી-20 મેચ રમે તો પણ યાદીમાં સામેલ થઈ શકે છે.

  બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ તેની (ધોની) સાથે વાત કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈને બીસીસીઆઈના એક અધિકારીને કહ્યું હતું કે જો ધોની ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ કે તે પહેલા ટીમ ઇન્ડિયામાં આવે તો તેમને મેચના આધારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.  આ પણ વાંચો - મહેન્દ્રસિંહ ધોનીને મોટો આંચકો, BCCIના વાર્ષિક કૉન્ટ્રાક્ટમાંથી બાદબાકી

  એ પુછવા પર કે શું હવે ધોની વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. તેમણે કહ્યું હતું કે આ વિશે તો મહેન્દ્રસિંહ ધોની પોતે જ બતાવી શકે છે. તેને બહાર કરવાના મુદ્દે સ્પષ્ટતા કરતા બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે ધોનીને આ વિશે જાણ કરી દેવામાં આવી હતી.

  બે વખતના વર્લ્ડ કપ વિજેતા 38 વર્ષના પૂર્વ કેપ્ટન ધોનીનું કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર થવું ચોંકાવનારું નથી કારણ કે તે લગભગ છ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમ્યો નથી. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે હું સ્પષ્ટ કરવા માંગીશ કે બીસીસીઆઈના શીર્ષ અધિકારીઓમાંથી એક વ્યક્તિએ ધોની સાથે વાત કરીને તેને કેન્દ્રીય કોન્ટ્રાક્ટ વિશે જણાવ્યું હતું. તેને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તે સપ્ટેમ્બર 2019થી અત્યાર સુધી એકપણ મેચ રમ્યો નથી તો તેને યાદીમાં રાખી શકાય નહીં.

  બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને સીઈઓ રાહુલ જોહરીમાંથી કોણે ધોની સાથે વાત કરી હતી તેવા સવાલના જવાબ પર અધિકારીએ કહ્યું હતું કે કોણે વાત કરી તેમાં પડવાની જરુર નથી. વાત એ છે કે તેના જેવા દિગ્ગજ ખેલાડીને બતાવવું જરુરી છે કે તે હાલ કેન્દ્રીય કોન્ટ્રાક્ટમાંથી બહાર છે અને આ યોગ્ય રીતે કરાયું છે.
  Published by:News18 Gujarati
  First published:January 16, 2020, 17:16 pm