નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં 2-1થી ટેસ્ટ શ્રેણી જીતનાર ભારતીય ટીમનો સભ્ય મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)આજે હૈદરાબાદ પહોંચ્યો હતો. એરપોર્ટ પરથી ઉતરીને તે સીધો પોતાની પિતાની કબર પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો. પિતાના કબર પર પ્રાર્થના કરતા સિરાજની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સિરાજના પિતા મોહમ્મદ ગૌસનું 20 નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેના એક સપ્તાહ પહેલા જ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. જોકે કોરોના પ્રોટોકોલના કારણે સિરાજ અંતિમ દર્શન માટે ઘરે પરત ફરી શક્યો ન હતો. આ પછી સિરાજે ઓસ્ટ્રલિયામાં (Australia)શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટેસ્ટ શ્રેણીમાં ભારત તરફથી સૌથી વધારે 13 વિકેટ ઝડપી હતી.
સિરાજના પિતાનું સપનું હતું કે તેમનો પુત્ર ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે. જોકે તેને રમતા જોવે તે પહેલા જ તે ચાલ્યા ગયા હતા. આજે તે જીવતા હોત તો તેમને ગર્વ થયો હોત કે પુત્રએ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો - ગૌતમ ગંભીરે ભવ્ય રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયા દાન આપ્યું
સિરાજના ભાઇ મોહમ્મદ ઇસ્માઇલે એક દિવસ પહેલા કહ્યું હતું કે મારા મરહૂમ પિતાનું સપનું હતું કે સિરાજ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમે. તેને બ્લૂ જર્સી અને સફેદ જર્સીમાં જોવા માંગતા હતા. તેમનું આ સપનું પુરુ થયું છે. અમને આનંદ છે તે જીતમાં યોગદાન આપી શક્યો.
સિરાજ હવે એક સપ્તાહ હૈદરાબાદમાં રહ્યા પછી 27 જાન્યુઆરીએ ચેન્નઈ જશે. જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ બે ટેસ્ટ મેચ રમાવાની છે.
Published by:Ashish Goyal
First published:January 21, 2021, 22:16 pm