નવી દિલ્હી. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2021) મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન એવું નથી રહ્યું જેના માટે તે પ્રચલિત છે પરંતુ મંગળવારે આ ટીમે રાજસ્થાન રોયલ્સને જે અંદાજમાં હરાવ્યું, તેને જોઈ આ ટીમના પ્રશંસકોના ચહેરા ચોક્કસ ખીલી ગયા હશે. મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સેને (Mumbai Indians beat Rajasthan Royals) 8 વિકેટથી હરાવી દીધું. રાજસ્થાનને 90 રન પર રોક્યા બાદ મુંબઈએ ટાર્ગેટ માત્ર 50 બોલમાં પાર કરી દીધો. મુંબઈની તાબડતોડ જીતમાં ઈશાન કિશનની અગત્યની ભૂમિકા રહી, જેણે માત્ર 25 બોલમાં અણનમ 50 રન ફટાકાર્યા. ઈશાન કિશને (Ishan Kishan) પોતાની ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી. આ ઇનિંગ બાદ મુંબઈના આ ખેલાડી રંગમાં આવી ગયો છે જે ટી20 વર્લ્ડ કપથી પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર છે.
ઈશાન કિશને પણ મુંબઈને જીત અપાવ્યા બાદ કહ્યું કે, ઉતાર-ચઢાવ આવતા રહે છે પરંતુ મુશ્કેલ સમયે કેપ્ટન રોહિત શર્માએ તેની મદદ કરી. ઈશાન કિશને જણાવ્યું કે, કેવી રીતે તેણે ફોર્મમાં વાપસી કરી અને કેવી રીતે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે થયેલી વાતચીત તેને કામમાં આવી.
નોંધનીય છે કે, મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ રાજસ્થાન સામે ઓપનિંગમાં ઈશાન કિશનને ઉતાર્યો હતો. રોહિતે ક્વિન્ટન ડી કોકને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કર્યો અને ઇશાનને ઓપનિંગની તક આપી અને રોહિતનો આ નિર્ણય આ બેટ્સમેનની તરફેણમાં ગયો. ઇશાન કિશને રાજસ્થાન રોયલ્સ સામે ધીમી શરૂઆત કરી હતી. ઈશાન કિશને પહેલા 6 બોલમાં ખાતું પણ ખોલ્યું ન હતું. બીજી ઓવર ફેંકનાર ચેતન સાકરિયાએ ઈશાન કિશન સામે આખી ઓવર મેઇડન કાઢી, પરંતુ આ ડાબોડી બેટ્સમેન માનસિક રીતે મજબૂત રહ્યો. જોતજોતામાં જ ઈશાન કિશનના બેટથી સ્ટ્રોક બહાર આવવા લાગ્યા. ચેતન સાકરીયાની ઓવરમાં ઇશાને 2 સિક્સર અને એક ફોર ફટકારી હતી અને 9મી ઓવરમાં તેણે મુસ્તિફિઝુર રહેમાનના બોલ પર સિક્સર ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ટીમને વિજય પણ અપાવ્યો હતો.
ઇશાન કિશને મેચ બાદ જણાવ્યું હતું કે હવે મુંબઈની નજર કોલકાતાની મેચ પર ટકેલી છે. જો કોલકાતા હારશે તો મુંબઈ ઈન્ડિયન્સ તેમની છેલ્લી મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. જો કોલકાતાને જીત મળે તો મુંબઈ માટે પ્લેઓફમાં જવું લગભગ અશક્ય બની જશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર