નવી દિલ્હી : આઈપીએલ-2022 (IPL 2022) પહેલા એક ચકિત કરનારા સમાચાર સામે આવી રહ્યા છે. આઈપીએલમાં સૌથી સફળ કેપ્ટન ગણાતા મહેન્દ્રસિંહ ધોનીએ (MS Dhoni)ચેન્નઈ સુપર કિંગ્સની ( Chennai Super Kings)કેપ્ટનશિપ છોડી દીધી છે. ધોનીએ નવા કેપ્ટન તરીકે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja CSK captain)વરણી કરી છે. ધોનીએ ફરી એક વખત અજીબ નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલ-2022ની શરૂઆત થવામાં હવે ફક્ત 2 દિવસની વાર છે.
ધોની આઈપીએલની શરૂઆતી સિઝન 2008થી જ સીએસકેની કેપ્ટનશિપ સંભાળી રહ્યો હતો. ગત વર્ષે ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઇની ટીમ ચેમ્પિયન બની હતી.
આઈપીએલ-2022ની શરૂઆત 26 માર્ચથી શરૂ થઇ રહી છે. પ્રથમ મુકાબલો ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. 40 વર્ષના ધોનીને ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલની મેગા હરાજી 2022 પહેલા રિટેન કર્યો હતો. તેની સાથે ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી અને રવિન્દ્ર જાડેજાને રિટેન કર્યા હતા. જોકે ચેન્નઇના માલિકોએ ધોનીથી વધારે પૈસા રવિન્દ્ર જાડેજાને આપ્યા હતા. જાડેજાને સીએસકેએ 16 કરોડ જ્યારે ધોનીને 12 કરોડમાં રિટેન કર્યો હતો.
મેદાન પર હંમેશા કૂલ રહેનારો ધોની પોતાના મોટા નિર્ણય દરમિયાન પણ શાંત જોવા મળે છે. ધોની ચોંકાવનારા નિર્ણય લેવા માટે જાણીતો છે. ધોનીએ આ પહેલા 2014માં અચાનક ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ પછી ટી-20 વર્લ્ડ કપ 2016 પછી વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટનશિપ વિરાટ કોહલીને સોંપી દીધી હતી. 15 ઓગસ્ટ 2022ના રોજ નિવૃત્તિની જાહેરાત પણ અચાનક કરી દીધી હતી.
જાડેજા ઘણા સમયથી ચેન્નઇની ટીમની સાથે છે. તે 2012થી સીએસકે તરફથી રમી રહ્યો છે. તે ચેન્નઇની કેપ્ટશિપ કરનાર ત્રીજો ખેલાડી બનશે. આ પહેલા ધોની અને સુરેશ રૈનાએ ટીમની કેપ્ટનશિપ સંભાળી છે. આઈપીએલના ઇતિહાસમાં સીએસકેની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ પછી બીજી સૌથી સફળ ટીમ છે. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ 4 વખત આઈપીએલમાં ચેમ્પિયન બની છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર