રોહિત-ધવનની સદી, પાકિસ્તાનને કચડી ભારત એશિયા કપની ફાઇનલમાં

રોહિત અને ધવને પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી નોંધાવી

પાકિસ્તાન 237/7, શોએબ મલિક 78, ભારત 238/1 (39.3 ઓવર), શિખર ધવનના 114 રન, રોહિત શર્માના અણનમ 111 , રોહિત અને ધવન વચ્ચે પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી, બુમરાહ, ચહલ અને કુલદીપે 2-2 વિકેટ ઝડપી

 • Share this:
  શિખર ધવન (114) અને રોહિત શર્માની અણનમ સદી (111) ની મદદથી ભારતે એશિયા કપના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાનને 9 વિકેટે કચડી નાખ્યું હતું. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 237 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 39.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે. આ જીત સાથે ભારતે એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત હવે 25 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે રમશે.

  ધવને 100 બોલમાં 16 ફોર અને 2 સિક્સરની મદદથી 114 રન બનાવ્યા હતા. રોહિતે 119 બોલમાં 7 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 111 રન બનાવ્યા હતા. રોહિત અને ધવને પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી નોંધાવી હતી.

  શોએબ મલિકના 78 રનની મદદથી પાકિસ્તાને એશિયા કપના સુપર-4 મુકાબલામાં ભારતને જીતવા માટે 238 રનનો પડકાર આપ્યો છે. પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 237 રન બનાવ્યા હતા.

  પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહેતા ઓપનર ઇમામ ઉલ હક 10 રને આઉટ થયો હતો. ઝમાન અને બાબર આઝમે ટીમનો સ્કોર 50 રનને પાર પહોંચાડ્યો હતો. ઝમાન (31) અને આઝમ (9) ઉપરા ઉપર આઉટ થતા પાકિસ્તાને 58 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. મલિક અને સરફરાઝે બાજી સંભાળી હતી અને ચોથી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. સરફરાઝ 44 અને મલિક 78 રને આઉટ થયા હતા. ભારત તરફથી બુમરાહ, ચહલ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.

  એશિયા કપમાં ભારત સામેના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  પાકિસ્તાનની ટીમમાં બે ફેરફાર કરાયા છે. મોહમ્મદ આમિર અને શાદાબ ખાન ટીમમાં પરત ફર્યા છે. હરીસ સોહેલ અને ઉસ્માન ખાન બહાર થઈ ગયા છે. ભારતની ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી.
  Published by:Ashish Goyal
  First published: