ચોથી ટી-20 : સુપર ઓવરમાં ભારતે ફરી ન્યૂઝીલેન્ડને હરાવ્યું

ચોથી ટી-20 : સુપર ઓવરમાં ભારતે ફરી ન્યૂઝીલેન્ડને હરાવ્યું
ભારત પાંચ મેચની શ્રેણીમાં 4-0થી આગળ, બંને વચ્ચે પાંચમી અને અંતિમ ટી-20 મેચ 2 ફેબ્રુઆરીના રોજ રમાશે

ભારત પાંચ મેચની શ્રેણીમાં 4-0થી આગળ, બંને વચ્ચે પાંચમી અને અંતિમ ટી-20 મેચ 2 ફેબ્રુઆરીના રોજ રમાશે

 • Share this:
  વેલિંગ્ટન : ચોથી ટી-20માં ભારતે ન્યૂઝીલેન્ડે સામે ફરી સુપર ઓવરમાં વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં 1 વિકેટે 13 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 5 બોલમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી ટી-20 મેચ ટાઇ પડતા ફરી સુપર ઓવરમાં વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સતત બીજી મેચ ટાઇ પડી હતી. આ પહેલા ત્રીજી ટી-20 મેચ પણ ટાઇ રહી હતી. જેમાં ભારતે વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 165 રન બનાવતા મેચ ટાઇ પડી હતી. આ જીત સાથે ભારત પાંચ મેચની શ્રેણીમાં 4-0થી આગળ છે. બંને વચ્ચે પાંચમી અને અંતિમ ટી-20 મેચ 2 ફેબ્રુઆરીના રોજ રમાશે.

  ન્યૂઝીલેન્ડની 20મી ઓવરમાં જીત માટે 6 બોલમાં 7 રનની જરુર હતી અને 7 વિકેટ બાકી હતી. અંતિમ ઓવરમાં શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી અને ફક્ત 6 રન જ આપ્યા હતા. શાર્દુલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.  166 રનના પડકાર સામે ન્યૂઝીલેન્ડની શરુઆત ખરાબ રહી હતી. ગુપ્ટિલ 4 રને આઉટ થયો હતો. આ પછી મૂનરો અને શેફર્ટે 74 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. મુનરો 64 રને રન આઉટ થયો હતો. મૂનરોએ 47 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 64 રન બનાવ્યા હતા. બ્રૂસ ખાતું ખોલાયા વિના આઉટ થતા ન્યૂઝીલેન્ડે 97 રને ત્રીજી વિકેટ ગુમાવી હતી. આ પછી શેફર્ટ અને ટેલરે 62 રનની ભાગીદારી કરી બાજી પલટાવી નાખી હતી. ટેલર 24 રને આઉટ થયો હતો. શેફર્ટે 39 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 57 રન બનાવ્યા હતા.

  આ પણ વાંચો - એમએસ ધોનીની કેપ્ટનશિપમાં રમશે વિરાટ કોહલી અને રોહિત શર્મા!

  સેમસન 8 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી 11 અને ઐયર 1 રને આઉટ થતા ભારતે 52 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. શાનદાર ફોર્મમાં રહેલા રાહુલે 39 રનની ઇનિંગ્સ રમી હતી. શિવમ દુબે 12 રને આઉટ થતા ભારતે 84 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મનીષ પાંડેએ 36 બોલમાં 3 ફોર સાથે 50 રન બનાવી ટીમનો સ્કોર 165 રન સુધી પહોંચાડ્યો હતો.

  ચોથી ટી-20માં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન (Kane Williamson) ખભાની ઇજાના કારણે મેચ રમી રહ્યો નથી. જેથી ટીમની કેપ્ટનશિપ ટીમ સાઉથીને આપવામાં આવી છે. આ મેચમાં ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા હતા. રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને આ મેચમાં આરામ અપાયો હતો. તેના સ્થાને સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર અને નવદીપ સૈનીને તક આપવામાં આવી છે.

  સુપર ઓવરનો રોમાંચ
  ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ (બોલર - બુમરાહ)
  પ્રથમ બોલ - શેફર્ટના 2 રન
  બીજો બોલ - શેફર્ટની ફોર
  ત્રીજો બોલ - શેફર્ટના 2 રન
  ચોથો બોલ - શેફર્ટ આઉટ
  પાંચમો બોલ - મૂનરોની ફોર
  છઠ્ઠો બોલ - મૂનરોનો 1 રન

  ભારતની ઇનિંગ્સ (બોલર - સાઉથી)
  પ્રથમ બોલ - રાહુલની સિક્સર
  બીજો બોલ - રાહુલની ફોર
  ત્રીજો બોલ - રાહુલ આઉટ
  ચોથો બોલ - કોહલીના 2 રન
  પાંચમો બોલ - કોહલીના 4 રન
  Published by:Ashish Goyal
  First published:January 31, 2020, 16:19 pm

  ટૉપ ન્યૂઝ