Home /News /sport /

Lalit Modi Controversy : IPLથી લઈને લોટરી વિવાદ સહિતના અનેક વંટોળમાં ફસાઈ ચૂક્યા છે લલિત મોદી

Lalit Modi Controversy : IPLથી લઈને લોટરી વિવાદ સહિતના અનેક વંટોળમાં ફસાઈ ચૂક્યા છે લલિત મોદી

લલિત મોદીએ તેમના અને સુષ્મિતા સેન સાથેના રિલેશન (lalit modi and sushmita sen)વિશે લોકોને સોશિયલ મીડિયા પર માહિતી આપી

Lalit Modi Sushmita Sen Relationship - લલિત મોદી બાળપણથી લઈને યુવાની સુધી જે લોકોને પણ મળ્યા છે, તે લોકોનું કહેવું છે કે, લલિત મોદી ક્યારેય પણ સીધા રસ્તા પર ચાલ્યા જ નથી

અત્યારની સુપરહિટ IPL ક્રિકેટ લીગની શરૂઆત કરનાર લલિત મોદીની (Lalit Modi)કહાની ખૂબ જ રસપ્રદ છે. તેમની લાઈફ વિશે વારંવાર કંઈકને કંઈક અલગ અલગ જાણવા મળી રહ્યું છે. તેમની લાઈફ વિશે કંઈક અલગ જાણીને લોકો અચંબામાં મુકાઈ જાય છે. તેમના (Lalit Modi controversy)નામે ઘણા વિવાદો પણ છે. લલિત મોદીએ તેમના અને સુષ્મિતા સેન સાથેના રિલેશન (lalit modi and sushmita sen)વિશે લોકોને સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. તેમને જાણનારાનો મત છે કે લલિત મોદી ક્યારેય પણ કંઈ સમજ્યા વિચાર્યા વગર કામ કરતા નથી. તેમણે ટ્વિટર પર તેમના અને સુષ્મિતા સેનના રિલેશનને લઈને ધમાકો કરી દીધો છે. ત્યારે આ રિલેશનને લઇને મોટું કારણ તો હશે જ.

લલિત મોદી બાળપણથી લઈને યુવાની સુધી જે લોકોને પણ મળ્યા છે, તે લોકોનું કહેવું છે કે, લલિત મોદી ક્યારેય પણ સીધા રસ્તા પર ચાલ્યા જ નથી. લલિત મોદીને હંમેશા એવું લાગતું હતું કે, આગળ વધવાનો રસ્તો ક્યારેય પણ સીધો હોતો જ નથી. કદાચ બાળપણથી જ તેઓ પૈસો, રાજનીતિ અને અનૈતિક આચરણોના સ્વભાવ અને ફોર્મ્યુલાને સમજી ચૂક્યા હતા. આ કારણોસર તેમણે તેમનો એક અલગ જ રસ્તો બનાવ્યો હતો, જે વિવાદોથી ભરપૂર હતો.

લલિત મોદી અને વિવાદોનો સંબંધ ખૂબ જ ગાઢ છે. લલિત મોદીને ભારતના ફેમસ ઔદ્યોગિક વારસદારોમાંથી એક છે. પડદાની પાછળ તેઓ રાજનીતિ સાથે સંકળાયેલા લોકો સાથે ખૂબ જ મજબૂત સંબંધ ધરાવે છે. એક જમાનામાં તેઓ શરદ પવારના સૌથી ખાસ વ્યક્તિ હતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથેના તેમના સંબંધો જગજાહેર છે.

અનેક બિઝનેસ અસફળ રહ્યા

વિવાદોના કારણે લલિત મોદીના તમામ બિઝનેસ અસફળ રહ્યા અથવા વિવાદોના કારણે બંધ થઈ ગયા હતા. લલિત મોદી પાસે હાલમાં બે મોટી કંપનીઓ છે. આ બે મોટી કંપનીઓ તેમને વારસાગતમાં મળી છે. એક કંપની સિગારેટ બનાવે છે જેનું નામ ગાડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા લિમિટેડ છે અને બીજી કંપનીનું નામ ઈંડિયોફિલ ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. લલિત મોદીએ ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએટ કર્યું છે. જો અત્યાર સુધીમાં તેમનું સફળ વેન્ચર હોય તો તે એક અને માત્ર એક IPL છે. બિઝનેસ શરૂ કરીને બંધ કરવાનો ટ્રેક રેકોર્ડ તેમના નામ પર રહ્યો છે.

ESPN ને ભારતમાં તેઓ જ લઈને આવ્યા હતા

વર્ષ 1994 દરમિયાન ભારતમાં કેબલ ટીવીની શરૂઆત થઈ રહી હતી. તે દરમિયાન લલિત મોદી ESPNને ભારતમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર લઈને આવ્યા હતા. તેમનો મુખ્ય રોલ કેબલ ઓપરેટર્સ પાસેથી પૈસા એકત્ર કરવાનો હતો, ત્યારબાદ તે જ કારણ તેમની અને ESPN વચ્ચે વિવાદનું કારણ બન્યો હતો અને આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. વર્ષ 1997માં ESPNએ પોતાની ડિસ્ટ્રીબ્યુશનની ટીમ ઊભી કરી લીધી હતી.

આ પણ વાંચો - માતાની બહેનપણી સાથે લલિત મોદીએ કર્યા હતા લગ્ન, વાંચો રસપ્રદ લવ સ્ટોરી

ફેશન ટીવી સાથે કોન્ટ્રાક્ટ કર્યો

ત્યાર બાદ લલિત મોદીએ કેકે મોદી ગૃપ હેઠળ મોદી એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક નામની કંપની ઊભી કરી હતી. આ કંપની વોલ્ટ ડિઝ્ની સાથે જોઈન્ટ વેન્ચરમાં ખોલવામાં આવી હતી. ત્યાર બાદ સરકારે ડિઝ્ની સાથે ભારતમાં પોતાની ખુદની ચેનલ સ્થાપિત કરવાને લીલી ઝંડી આપી હતી, પરંતુ 10 વર્ષની આ ડીલ કેન્સલ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ મોદી એન્ટરટેઈનમેન્ટે ફેશન ટીવી સાથે કોન્ટ્રાક્ટ કર્યો પરંતુ, બંને કંપનીઓ વચ્ચે વિવાદોનો દોર શરૂ થઈ ગયો. આ વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો. ત્યારબાદ FTV એ ઈન્ડિયા ઓપરેશન બંધ કરી દીધું હતું. ફેશન ટીવીનું કંટ્રોલિંગ મોદી એન્ટરટેઈનમેન્ટ પાસે પહોંચી ગયું હતું.

લલિત મોદીએ તસવીર શેર કરતા સુષ્મિતાને પોતાની બેટરહાફ ગણાવી છે. (PIC: Lalit Modi)


ઓનલાઈન ગેમ્બલિંગ સાથે નામ જોડાયું

ભારતમાં લલિત મોદીનું નામ ઓનલાઈન ગેમ્બલિંગ અને લોટરી ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડવામાં આવ્યું હતું. વર્ષ 2002માં સરકારે ઓનલાઈન ગેમ્બલિંગ ઈન્ડસ્ટ્રીઝને લીલી ઝંડી આપી હતી, તો કે કે મોદી ગૃપ પહેલું એવું ગૃપ હતું, જેણે આ બિઝનેસ શરૂ કર્યો હતો. વર્ષ 2002માં લલિત મોદીએ કેરળમાં ઓનલાઈન લોટરી શરૂ કરી હતી. તેમની કોમ્પેટીટર કંપની પ્લેવિને કોર્ટમાં જઈને લલિત મોદીના લોટરી સામે સ્ટે ઓર્ડર મેળવી લીધો હતો.

આ મામલે લલિત મોદીએ હાર માની નહોતી અને એક વર્ષ બાદ તેમણે ફરી એક વાર કેરળમાં ઓનલાઈન લોટરી બિઝનેસમાં સનસાઈન બ્રાન્ડના નામથી પ્રવેશ કર્યો. ત્યાર બાદ કેરળ સરકારે વર્ષ 2004માં તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ બિઝનેસ બાદ અનેક લોકોએ લલિત મોદી પર છેતરપિંડીનો અને પૈસા હડપવાનો આરોપ મુક્યો હતો. ત્યારબાદ તેમણે પાંચ લાખ રૂપિયામાં 100 લોકોને ફ્રેન્ચાઈઝી આપી, પરંતુ એક પણ વ્યક્તિને પૈસા પરત મળ્યા નહોતા.

રાજસ્થાનમાં પણ રિઅલ એસ્ટેટ બિઝનેસ શરૂ કર્યો

લલિત મોદીએ ત્યાર બાદ અંબર હેરિટેજ સિટી કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ નામથી કંપની બનાવીને રિઅલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો હતો. બાદમાં તેનું નામ બદલીને આનંદ હેરિટેજ હોટેલ્સ કરી દેવામાં આવ્યું હતું. આ કંપની રાજસ્થાનમાં અનેક હેરિટેજ સાઈટને લઈને વિવાદોમાં આવી હતી. રાજસ્થાનમાં જે સમયે વસુંધરા રાજે સિંધિયા મુખ્યમંત્રી હતી તે સમયે આ તમામ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા. આ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) હેરિટેજ હોટેલમાં ફેમા નિયમોના ઉલ્લંઘનની તપાસ કરી રહ્યું છે.

પહેલા હિમાચલ ક્રિકેટ એસોસિયેશન પછી રાજસ્થાન પહોંચ્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં ઘુસવા માટે તેમણે સમજી વિચારીને આ રણનીતિ બનાવી હતી. વર્ષ 1999માં તેઓ સૌથી પહેલા એવા હિમાચલ ક્રિકેટ સંઘ સાથે જોડાયા, જેમની પાસે કોઈ ક્રિકેટ મેદાન નહોતું. ત્યારબાદ બોર્ડની કાર્યશૈલી પર સવાલ ઊભા થતા તેમને આગામી વર્ષે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજસ્થાન બાજુ કામ કરવાનું શરૂ કર્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી વસુંધરા રાજેનું સમર્થન મળતા તેઓ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન સુધી પહોંચી ગયા હતા. જ્યાં તેમને વિવાદાસ્પદ રૂપે અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.

BCCIમાં શરદ પવારને જીતાડવા માટે કરી મહેનત

તે સમયે ભારતીય ક્રિકેટમાં જગમોહન દાલમિયાનું રાજ ચાલતું હતું. કહેવામાં આવે છે કે, લલિત મોદી એક એવા વ્યક્તિ હતા જેમણે પડદા પાછળથી BCCIમાં અધ્યક્ષ પદે શરદ પવારની જીત માટે તમામ શક્ય મહેનત કરી હતી. ત્યાર બાદ શરદ પવાર BCCI અધ્યક્ષ બની ગયા હતા અને લલિત મોદીને BCCI ના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. છ વર્ષમાં BCCI માં આટલી લાંબી સફર ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરી શકે છે.

ઈન્ડિયન ક્રિકેટમાં તેમનું રાજ ચાલવા લાગ્યું

સમયની સાથે સાથે તેઓ આગળ વધી રહ્યા હતા. આ સફરમાં લલિત મોદી પોતાના વ્યવહાર અને કાર્યશૈલીથી દુશ્મન પણ ઊભા કરી રહ્યા હતા. આ એક એવો સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટમાં તેમનું રાજ ચાલતું હતું. માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન તેમણે BCCI ને એવી એવી ટેકનિક આપી, જેનાથી તેમની કમાણીમાં વધારો થવા લાગ્યો હતો. ત્યારબાદ દોઢ બે વર્ષની મહેનત બાદ તેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગ લોન્ચ કરી હતી. ત્યારબાદ સફળતાના શિખર સર કર્યા પછી ખૂબ જ ઓછા સમયમાં તેમનું પતન પણ થઈ ગયું.

થરૂર સાથે થયો વિવાદ

IPL માટે તેમણે મોરીશસની કંપની વર્લ્ડ સ્પોર્ટ્સને IPLનો રૂ.425 કરોડનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. જેમાં તેમના પર રૂ.125 કરોડનું કમિશન લેવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. લલિત મોદી પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, તેમણે બે ટીમની હરાજી દરમિયાન ખોટી રીત અપનાવી હતી. કોચ્ચી ટીમની હરાજી અને પ્રવર્તકોની જાણકારી ટ્વિટર પર શેર કરતા વિવાદ થયો હતો. જેમાં એક તરફ શશિ થરૂરે UPA સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું હતું, તો બીજી તરફ લલિત મોદીની સફળતાના દિવસો ટૂંકા થઈ ગયા હતા.

વૈભવી જીવનશૈલીમાં બ્રિટનમાં રહે છે

વર્ષ 2010માં IPL બાદ લલિત મોદીને IPL કમિશનરના પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. છેતરપિંડીના આરોપો બાદ લલિત મોદી બ્રિટન જતા રહ્યા હતા, ત્યારબાદથી તેઓ ત્યા જ રહે છે. છેલ્લા 12 વર્ષથી તેઓ લંડનની સૌથી બેસ્ટ જગ્યાઓ પર વૈભવી રીતે રહે છે. લલિત મોદી ત્યાંથી જ પોતાનો બિઝનેસ સંભાળે છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે લલિત મોદીને હાજર થવાનું ફરમાન કર્યું હતું. તેમ છતાં લલિત મોદી હજુ સુધી ભારત આવ્યા નથી. જે માટે લલિત મોદી હંમેશા તર્ક આપે છે કે, ભારતમાં તેમને અંડરવર્લ્ડથી જોખમ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Sports news, Sushmita Sen

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन