ન્યૂઝ18 ગુજરાતી : 1987માં પહેલીવાર વર્લ્ડ કપ ઈંગ્લેન્ડની બહાર રમાઈ રહ્યો હતો. તેની સાથે જ આ પહેલો એવો વર્લ્ડ કપ હતો જે 50-50 ઓવરનો હતો. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ અનેકગણો વધી ગયો હતો. ભારત પોતાની 5માંથી 4 મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યો હતો. નાગપુરમાં 31 ઓક્ટોબર 1987ના રોજ ભારતની છઠ્ઠી મેચ ન્યૂઝીલેન્ડ સામે હતી. પહેલા બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડ ટીમ 41 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન કરી ચૂકી હતી. આ દરમિયાન કેન રદરફોર્ડ 26 રન બનાવીને ક્રીઝ પર હતો.
ટીમના મુખ્ય ફાસ્ટ બોલર મનોજ પ્રભાકરની 5 ઓવર બચી હતી, પરંતુ કેપ્ટન કપિલ દેવે પોતાનાથી ઓછા અનુભવી અને પહેલી 5 ઓવરમાં મોંઘો સાબિત થનારા ચેતન શર્માને પછી બોલિંગ સોંપી. ચેતન શર્માએ 42મી ઓવરના પહેલા ત્રણ બોલ પર કોઈ રન ન આપ્યા. ત્યારબાદ આગામી ત્રણ બોલ પર જે થયું, તેના માટે ચેતન શર્માને યાદ કરવામાં આવે છે. શર્માના ચોથો ફાસ્ટ બોલ ઓફ કટર હતો. રદરફોર્ડે ડિફેન્સ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ક્લીન બોલ્ડ થયો. તે બોલ સીધો મિડલ સ્ટમ્પ જઈને ટકરાયો.
ફાસ્ટ ઇન કટર બોલથી સ્મિથને બનાવ્યો શિકાર
ત્યારબાદ મેદાનમાં આવ્યો જબરદસ્ત શોટ્સ મારનારા ઈયાન સ્મિથ. ચેતન શર્માએ આ વખતે ફાસ્ટ ઇન કટર બોલ નાખ્યો, જેણે સ્મિથને બિટ કરી ઓફ સ્ટમ્પ ઉખાડી દીધી. આ બોલ પર સ્મિથ હલી પણ નહોતો શક્યો. ચેતન શર્માની પાસે હેટ્રિક લઈને ઈતિહાસ રચવાની તક હતી. મેદાનની સાથે જ સમગ્ર દેશનો શ્વાસ રોકાઈ ગયા હતા કે શર્મા આ કારનામું કરી શકશે કે નહીં.
ચેતન શર્માએ હેટ્રિક લઈને ન્યૂઝીલેન્ડના 5 વિકેટ પર 182ના સ્કોરને સીધો 8 વિકેટ પર 182 રને પહોંચાડી દીધો હતો.
શર્માએ ત્રણ બોલ પર ઉખાડ્યા અલગ-અલગ સ્ટમ્પ
સ્મિથ બાદ ક્રીઝ પર આવ્યો એવેન ચેટફીલ્ડ ઓવરનો છેલ્લો બોલ નાખતાં પહેલા શર્મા અને દેવની વચ્ચે ઘણી ચર્ચા થઈ. ત્યારબાદ શર્માના ફુલ લેન્થ બોલને રમવા માટે ચેટફિલ્ડ વિકેટ અક્રોસ આવી ગયો અને બોલે લેગ સ્ટમ્પને ઉડાવી દીધી. ઉલ્લેખનીય છે કે, ચેતન શર્માએ હેટ્રિક દરમિયાન ઓફ, મિડલ અને લેગ ત્રણેય સ્ટમ્પ ઉખાડી હતી.
આ મેચમાં ન્યૂઝીલેન્ડ 5 વિકેટ પર 182થી સીધું 8 વિકેટ પર 182 રનના સ્કોરે પહોંચી ગયું. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 221/9 રન કર્યા. ત્યારબાદ વનડેને પણ ટેસ્ટની જેમ રમનારાં સુનીલ ગાવસ્કરે પણ કમાલ કરી દીધી. તેમણે માત્ર 88 બોલમાં 103 રન કર્યા. આ ગાવસ્કરની પહેલી વનડે સદી હતી. શ્રીકાંતે 58 બોલમાં 75 અને અઝરુદ્દીને 51 બોલમાં 42 રન કર્યા. ભારતે 32.1 ઓવરમાં જ 9 વિકેટથી મેચ જીતી લીધી. મેન ઓફ ધ મેચ ચેતન શર્મા અને સુનીલ ગાવસ્કર બંનેને સંયુક્ત રીતે આપવામાં આવ્યું.