ન્યુ દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચિત્તાગોંગના જહૂર ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ ટેસ્ટના પહેલા દિવસે બેટિંગ કરી રહી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ સસ્તામાં આઉટ થયા બાદ ખૂબ જ નિરાશ દેખાતા હતા. ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી, રાહુલ અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી અને તેમની ટીમને સ્થિર શરૂઆત અપાવી. જોકે, ડાબોડી સ્પિનર તૈજુલ ઈસ્લામે રોહિત શર્માની જગ્યાએ ઓપનિંગ કરી રહેલા શુભમન ગિલને ઝડપથી પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
પહેલા એવું લાગતું હતું કે પ્રથમ સત્ર ભારતના પક્ષમાં જશે ત્યારે તૈજુલ ઇસ્લામે શુભમન ગિલને આઉટ કર્યો હતો. ગિલે 40 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન અને ઓપનર કેએલ રાહુલે T20 અને ODI ક્રિકેટ પછી ટેસ્ટમાં પણ પોતાનો ફ્લોપ શો ચાલુ રાખ્યો છે. ગિલના આઉટ થયાની થોડી ઓવર પછી રાહુલ પણ સસ્તામાં પેવેલિયન ગયો હતો.
ખાલિદ અહેમદે ઓફ સ્ટમ્પની બહાર એક બોલ ફેંક્યો અને રાહુલે બોલને ઓફ સાઈડ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો. રાહુલ ડ્રાઈવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ બોલ બેટ સાથે અથડાયા બાદ સ્ટમ્પમાં પહોંચી ગયો અને રાહુલ આઉટ થઈ ગયો. ખાલિદ અહેમદે 19મી ઓવરના પહેલા જ બોલ પર ભારતીય કેપ્ટન કેએલ રાહુલને બોલ્ડ કર્યો હતો. રાહુલ તેની વિકેટથી ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો. રાહુલને પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે પોતાના ગ્લોવ્ઝ વડે તેના બેટને જોરથી મુક્કો માર્યો. કેએલ રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારતે ઝડપથી બે વિકેટ ગુમાવી દીધી અને તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. તૈજુલે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરીને ભારતને વધુ મુશ્કેલીમાં મૂકી દીધો છે. કોહલીએ ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)નો ઉપયોગ કર્યો હતો, આ આશામાં કે નિર્ણય પાછો ખેંચવામાં આવશે. પરંતુ રિવ્યુ ગુમાવ્યા બાદ ભારતે તેની ત્રીજી વિકેટ ગુમાવી હતી. વિરાટના પણ આઉટ થવાથી ફેન્સ નારાઝ થઈ ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર