ન્યૂઝ18 ગુજરાતી: દિલ્હી કેપિટલ્સની કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ જીતમાં દિલ્હીના કેગિસો રબાડાનો મહત્વનો રોલ રહ્યો. સુપરઓવરમાં પહોંચેલી આ મેચમાં રબાડાએ સરસ બોલિંગ કરી ટીમને જીત અપાવી હતી.
મેચ પછી રબાડાને પૂછવામાં આવતાં તેણે કહ્યું કે, મેચ દરમિયાન હું અને શિખર ધવન ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા. ત્યારે મેં તેને કહ્યું કે આપણે નીચે જઇને સાથીઓને ચિઅર કરવા જોઇએ. અમે નીચે પહોંચ્યા. અમને લાગી રહ્યું હતું કે અમે મેચ જીતી જઇશું, પરંતુ મેચ ડ્રો થઇ. હું શોર્ટ્સ પહેરી આમ તેમ ફરી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે સુપરઓવર કોણ કરશે. અમે ડ્રેસિંગ રૂમમાં ગયા. કોઇને ખબર નહોતી કે આ મોકો કોને મળશે.
રબાડાએ જણાવ્યું કે, ક્રિસ મોરિસ અને સંદીપને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ પછી દિલ્હીના બોલિંગ કોચ જેમ્સ હોપ્સે તેને કહ્યું કે તે સુપર ઓવર કરવાનો છે. રબાડાએ કહ્યું કે, મને ખબર પડી કે હું સુપરઓવર કરવાનો છું તો હું થોડો ઘબરાવ્યો, પરંતુ પછી મેં વિચારવાનું શરૂ કરી દીધું કે મારે કેવી રીતે બોલિંગ કરવાની છે.