ટોસ જીતવાની સાથે જ ઇંગ્લેન્ડના સુકાની જો રુટે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો
ટાઇગર પટૌડી ભારતના એકમાત્ર સુકાની છે જેમણે પાંચ મેચની શ્રેણીમાં બધાય ટોસ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. પટૌડીએ 1963-64માં ઇંગ્લેન્ડ સામે આવી સિદ્ધિ મેળવી હતી
લંડનના ઓવલ મેદાનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતવાની સાથે જ ઇંગ્લેન્ડના સુકાની જો રુટે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં બધી મેચમાં ટોસ જીતનાર ઇંગ્લેન્ડનો પ્રથમ સુકાની બન્યો છે. જ્યારે વિરાટ કોહલી પાંચ મેચની શ્રેણીમાં બધા ટોસ હારનાર ભારતનો ત્રીજો સુકાની બન્યો છે.
આ પહેલા વેસ્ટ ઇન્ડીઝના જોન ગોડાર્ડ અને ક્લાઇવ લોઇડે ભારત સામે પાંચ મેચની શ્રેણીમાં બધી મેચમાં ટોસ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ગોડાર્ડે 1948-49માં ભારતમાં અને લોઇડે 1982-83માં વેસ્ટ ઇન્ડીઝમાં આમ કર્યું હતું.
20 વર્ષ પછી કોઈ સુકાની પાંચ મેચની શ્રેણીમાં બધાય ટોસ જીતવા સફળ રહ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના માર્ક ટેલરે 1998-99માં ઇંગ્લેન્ડ સામે એશિઝમાં બધીય પાંચ મેચમાં ટોસ જીત્યો હતો.
વિરાટના નામે અણગમતો રેકોર્ડ
ટીમ ઇન્ડિયાનો સુકાની વિરાટ કોહલી પાંચ મેચની શ્રેણીમાં બધા ટોસ હારનાર ભારતનો ત્રીજો સુકાની બન્યો છે. આ અણગમતો રેકોર્ડ પ્રથમ વખત ભારતના લાલા અમરનાથના નામે નોધાયો હતો. જે વેસ્ટ ઇન્ડીઝ સામે 1948-49માં બધીય પાંચ ટેસ્ટમાં ટોસ હાર્યા હતા. આ પછી 1982-83માં કપિલ દેવે વેસ્ટ ઇન્ડીઝ સામે આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
પટૌડીની કમાલ
ટાઇગર પટૌડી ભારતના એકમાત્ર સુકાની છે જેમણે પાંચ મેચની શ્રેણીમાં બધાય ટોસ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. પટૌડીએ 1963-64માં ઇંગ્લેન્ડ સામે આવી સિદ્ધિ મેળવી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર