સૂર્યકુમારની અડધી સદી (59) પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 37 રને વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 170 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ 20 ઓવરમાં 8 વિકેટે 133 રન બનાવી શક્યું હતું. ચેન્નાઈનો આઇપીએલની આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે.
રાયડુ (00) અને વોટ્સન (05) સસ્તામાં આઉટ થતા ચેન્નાઈએ 6 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. રૈના પણ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 16 રને આઉટ થયો હતો. ધોની અને જાધવે 54 રનની ભાગીદારી બનાવી બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ધોની 12 રને આઉટ થયો હતો. આ પછી જાડેજા પણ બીજા જ બોલે આઉટ થયો હતો. જાધવ 58 રને આઉટ થતા જીતની આશાનો અંત આવ્યો હતો. મલિંગા અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ ઝડપી હતી.
સૂર્યકુમાર યાદવની અડધી સદી (59) અને ક્રુણાલ પંડ્યાના 42 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 20 ઓવરમાં 5 વિકેટે 170 રન બનાવ્યા હતા. ચેન્નાઈને જીતવા માટે 171 રનનો પડકાર મળ્યો છે. મુંબઈએ અંતિમ 5 ઓવરમાં 77 રન બનાવ્યા હતા.
મુંબઈની શરુઆત ખરાબ રહેતા ડી કોક 4 રને આઉટ થયો હતો. રોહિત શર્મા 13 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. યુવરાજ સિંહ 4 રન બનાવી તાહિરની ઓવરમાં આઉટ થયો હતો.
સૂર્યકુમાર યાદવ અને ક્રુણાલ પંડ્યાએ બાજી સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 62 રનની ભાગીદારી નોંધાવી હતી. ક્રુણાલ 32 બોલમાં 42 રન બનાવી મોહિત શર્માનો શિકાર બન્યો હતો. આ પછી સૂર્યકુમાર 43 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 59 રન બનાવી આઉટ થયો હતો. તેણે 38 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.
હાર્દિક પંડ્યા 8 બોલમાં 25 અને પોલાર્ડ 7 બોલમાં 17 રને અણનમ રહ્યા હતા. બંને વચ્ચે 2 ઓવરમાં 45 રનની ભાગીદારી નોંધાઈ હતી.
મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચેન્નાઈની ટીમમાં એક ફેરફાર કરતા સાન્તેનરના સ્થાને મોહિત શર્માનો સમાવેશ કરાયો છે. મુંબઈની ટીમમાં મેક્લેનઘાન અને મયંક માર્કન્ડેના સ્થાને બેહરનડોર્ફ અને રાહુલ ચાહરનો સમાવેશ કરાયો છે.