નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથને હવે દિલ્હી કેપિટલ્સની ટીમે ખરીદી લીધો છે. સ્ટિવ સ્મિથ માટે આરસીબીની ટીમે પણ બોલી લગાવી હતી. તેના માટે પહેલી બોલી બેંગલોરની ટીમે લગાવી હતી. ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સની ટીમે તેને 2.20 કરોડમાં ખરીદી લીધો છે.
મહત્વનું છે કે, રાજસ્થાનની ટીમે આઇપીએલ 2020 બાદ સ્મિથને રિલીઝ કરી દીધો હતો. સ્મિથની આઇપીએલમાં કારકિર્દી શાનદાર રહી છે. તેણે 95 મેચોમાં 35.34ની એવરેજથી 2333 રન બનાવ્યા છે. તેણે બેટીંગ દરમિયાન 1 સદી અને 11 અડધી સદી ફટકારી છે. તેની સ્ટ્રાઇક રેટ પણ 130ની આસપાસ છે.
આ પણ વાંચો - IPL 2021 Auction: ક્રિસ મોરિસ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, જાણો કેટલી મળી કિંમત
ગત વર્ષે ફ્લોપ રહ્યો હતો સ્ટિવ સ્મિથ
મહત્વનું છે કે આઇપીએલ 2020માં સ્ટીવ સ્મિથનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે 14 મેચોમાં 25.91ની એવરેજથી ફક્ત 311 રન જ બનાવ્યા હતા. સ્મિથની કેપ્ટનશિપમાં રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલ પર છેલ્લા સ્થાન પર રહી હતી.
સ્ટિવ સ્મિથની ભૂમિકા શું રહેશે?
દિલ્હી કેપિટલ્સની ટીમ યુવા ખેલાડીઓથી સંપન્ન છે તેમાં સ્ટિવ સ્મિથનો સમાવેશ થવાથી ટીમમાં અનુભવ વધશે. મહત્વનું છે કે, દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ જોડી ગત વર્ષે ફ્લોપ સાબિત થઇ હતી. પૃથ્વી શૉનું ખરાબ પ્રદર્શન ટીમને ભારે પડ્યું હતું. એવામાં દિલ્હીની ટીમે સ્મિથને ખરીદ્યો છે જે ઓપનિંગથી લઇને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવામાં સક્ષમ છે. જો રહાણે અને શિખર ધવન ઓપનિંગ કરતા જોવા મળે તો સ્મિથ મિડલ ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે. કોચ રિકી પોન્ટીંગ અને સ્મિથ બંન્ને ભેગા મળીને દિલ્હીની ટીમને આઇપીએલમાં ચેમ્પિયન બનાવી શકે છે. સ્મિથ આ પહેલા રાજસ્થાન રોયલ્સ, પૂણે સુપર જાયન્ટ અને પૂણે વોરીયર માટે રમી ચૂક્યો છે.
Published by:Ashish Goyal
First published:February 18, 2021, 21:20 pm