નવી દિલ્હી : વિરાટ કોહલીએ (virat kohli)આઈપીએલ (IPL) ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની કેપ્ટનશિપ શા માટે છોડી? વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવા પાછળનું સાચુ કારણ જણાવ્યું છે. વિરાટ કોહલીએ ગયા વર્ષે કહ્યું હતું કે, T20 વર્લ્ડકપ ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે આ તેમની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. ત્યારબાદ તેમણે આઈપીએલમાં (IPL 2022) પણ RCB ની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમને વન-ડે મેચના કેપ્ટન પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા. દક્ષિણ આફ્રિકા સાથેની મેચ બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ મેચની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી.
વિરાટ કોહલીએ RCB ની કેપ્ટનશિપ છોડવા અંગે ‘ધ આરસીબી પોડકાસ્ટ’ માં જણાવ્યું હતું કે, હું એવા લોકોમાં સામેલ નથી જે વસ્તુઓને પકડી રાખવા ઈચ્છે છે. મને ખબર છે કે, હું અત્યારે પણ ઘણું બધુ કરી શકું છું. પરંતુ જો હું પ્રોસેસની મજા નથી લઈ શકતો તો પછી હું તે કામ નહીં કરું. જ્યારે કોઈ ખેલાડી આ પ્રકારનો નિર્ણય લે છે તો તેના મગજમાં શું ચાલી રહ્યું છે તે લોકો માટે સમજવું મુશ્કેલ બની જાય છે.
મારે પોતાના માટે સમય જોઈતો હતો: કોહલી
વિરાટ કોહલીએ જણાવ્યું કે, જ્યાં સુધી લોકો તમારી જગ્યા પર ના હોય ત્યાં સુધી તેઓ તમે લીધેલા નિર્ણયને સમજી શકતા નથી. લોકો પોતાની આશાઓ લઈને જીવે છે. તેઓ તમારા નિર્ણય અંગે કહે છે, આ કેવી રીતે થઈ ગયું, આ વાત માનવામાં આવી રહી નથી. તેણે જણાવ્યું કે, આ હેરાન થવા જેવી કોઈ વાત નથી. હું લોકોને સમજાવું છું કે, મારે પોતાના માટે સમય જોઈતો હતો અને વર્કલોડ મેનેજ કરવો હતો. આ વાત અહીંયા જ પૂર્ણ થઈ જાય છે.
મારે જ્યારે નિર્ણય લેવાનો હોય છે ત્યારે લઈ લઉં છું
IPL ની શરૂઆતની સિઝનથી લઈને અત્યાર સુધીમાં RCB ક્યારેય પણ લીગનું ટાઇટલ જીતી શકી નથી. કોહલીએ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશિપ છોડવા અંગે અલગ અલગ અટકળોને વિરામ આપતા જણાવ્યું હતું કે, ‘હકીકતમાં આવું કંઈ જ નથી. હું મારુ જીવન ખૂબ જ સાદાઈથી જીવું છું. જ્યારે મારે નિર્ણય લેવાનો હોય છે ત્યારે નિર્ણય લઈને તેની ઘોષણા કરી દઉં છું. હું આ અંગે વિચારવા માંગતો ન હતો અને વધુ એક વર્ષ માટે તેના પર વિચાર કરવા ઈચ્છતો ન હતો. જીવન અને ક્રિકેટની ગુણવત્તા મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.’
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર