Home /News /sport /IPL 2022: ક્વોલિફાયર-1માં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે આજે મુકાબલો, આ દમદાર ખેલાડી અપાવી શકે છે જીત

IPL 2022: ક્વોલિફાયર-1માં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે આજે મુકાબલો, આ દમદાર ખેલાડી અપાવી શકે છે જીત

IPL 2022ની પ્લેઓફ મેચ (IPL 2022 Playoff) મંગળવારથી શરૂ થઈ રહી છે (તસવીર - બીસીસીઆઈ)

IPL 2022 Playoff - હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે ટીમ લીગ સ્ટેજમાં14માંથી 10 મેચમાં જીત અને 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે

નવી દિલ્હી : IPL 2022ની પ્લેઓફ મેચ (IPL 2022 Playoff) મંગળવારથી શરૂ થઈ રહી છે. આ દિવસથી IPLના ટાઇટલની લડાઈ માટે કાઉન્ટડાઉન શરૂ થશે. આ વખતે IPLનો નવો ચેમ્પિયન (IPL 2022 Champion) મળી શકે છે. કારણ કે ત્રણ ટીમો એવી છે, જે પ્રથમ વખત ટાઈટલ જીતી શકે છે. તેમાંથી બે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને લખનઉ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) આ વર્ષે ડેબ્યૂ કર્યું છે અને પહેલા જ વર્ષમાં પ્લેઓફની ટિકિટ મેળવી છે. ત્રીજી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ત્રણ વખત (2009, 2011 અને 2016) ફાઈનલ રમી ચુકી છે. પરંતુ ત્રણેય વખતે ટાઇટલ જીતવાથી ચૂકી ગઇ છે. પરંતુ આ વખતે તેની પાસે ચેમ્પિયન બનવાની તક છે. જો કે આ માટે 29 મે સુધી રાહ જોવી પડશે.

આ પહેલા આપણે સિઝનની બે ટોચની ટીમો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના પ્રથમ ક્વોલિફાયરની વાત કરીએ. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે લીગ સ્ટેજના 14માંથી 10 મેચ જીત્યા અને 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રાજસ્થાનની ટીમ આ વખતે ચેમ્પિયનની જેમ રમી હતી. પોઈન્ટ ટેબલમાં તેનું બીજું સ્થાન આ વાતને સાબિત કરે છે. રાજસ્થાને 14માંથી 9 મેચ જીતી હતી. બંને ટીમોની બોલિંગ અને બેટિંગ અત્યાર સુધી શાનદાર રહી છે.

ક્વોલિફાયર-1 માં રાશિદ અને ચહલ વચ્ચે ટક્કર

ક્વોલિફાયરમાં આ બંને બોલરો વચ્ચે રસપ્રદ સ્પર્ધાની થઇ શકે છે. ક્વોલિફાયર-1 માં માત્ર બે ટીમો વચ્ચે જ નહીં, પરંતુ બે ખેલાડીઓ વચ્ચે પણ જોરદાર ટક્કર થશે. તે બંને આ સિઝનમાં પોતપોતાની ટીમો માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે અને બંને લેગ-સ્પિનર ​​છે. રાશિદ ખાને IPL 2022માં ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ 18 વિકેટ લીધી છે, તો રાજસ્થાન તરફથી રમતા લેગ સ્પિનર ​​યુજવેન્દ્ર ચહલે અત્યાર સુધી રમાયેલી 14 મેચોમાં 26 વિકેટ લીધી છે અને તે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે.

આ પણ વાંચો - ગુજરાત ટાઇટન્સ રમ્યા વગર ફાઇનલમાં પહોંચી શકે છે, જાણો પ્લેઓફ સાથે જોડાયેલા નિયમો

રાજસ્થાન રોયલ્સમાં ચહલનું પ્રદર્શન શ્રેષ્ઠ

આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સના શાનદાર પ્રદર્શનમાં ચહલનો સૌથી મોટો ફાળો છે. રાજસ્થાનના બોલરોએ લીગ સ્ટેજમાં કુલ 84 વિકેટ ઝડપી હતી. તેમાંથી ચહલે 26 એટલે કે ત્રીજા ભાગની વિકેટ ઝડપી હતી. તેણે આ સિઝનમાં એકવાર 4 અને એકવાર 5 વિકેટ ઝડપી છે. આ સિઝનમાં ચહલે હેટ્રિક પણ લીધી છે. તે દરેક 13મા બોલ પર બેટ્સમેનનો શિકાર કરી રહ્યો છે. એકંદરે ચહલ રાજસ્થાન માટે મેચ વિનર સાબિત થઈ રહ્યો છે.

ગુજરાતની જીતમાં રાશિદનું યોગદાન

જે કામ યુજવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સ માટે પોતાની સ્પિનથી કર્યું હતું. રાશિદ ખાને આ સિઝનમાં આ કામ ગુજરાત ટાઇટન્સ માટે કર્યુ હતું. ગુજરાત માટે રાશિદ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 14 મેચમાં 21.55ની એવરેજથી 18 વિકેટ લીધી છે. આ સિઝનમાં તેણે એક વખત 4 વિકેટ પણ લીધી છે. રાશિદ માત્ર બોલથી જ નહીં બેટથી પણ ધમાલ મચાવી રહ્યો છે. તેણે 14 મેચમાં 91 રન બનાવ્યા છે. પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા અને રાહુલ તેવટિયા કરતા વધુ રહી છે. તેણે 206ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. ઘણી મેચોમાં રાશિદે પોતાના બેટથી ગુજરાતને જીત અપાવી છે. આવી સ્થિતિમાં ક્વોલિફાયર-1માં જે ખેલાડી આ બંને કરતાં ભારે પડશે, તેની ટીમ ફાઇનલમાં પહોંચશે.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score