નવી દિલ્હી : સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) પોતાની પ્રથમ સિઝનમાં જ IPLની ફાઇનલમાં (IPL 2022) જગ્યા બનાવી લીધી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ને 7 વિકેટે હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાને ગુજરાતને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 3 બોલ બાકી રહેતા મેળવી લીધો હતો. જીત બાદ હાર્દિક પંડ્યાએ પોતાની ટીમના ખેલાડીઓના વખાણ કર્યા હતા. સાથે જ તેણે પોતાના પરિવારનો પણ આભાર માન્યો હતો.
ગુજરાત ટાઇટન્સની આ જીતમાં ડેવિડ મિલરે (David Miller) મહત્વની ભૂમિકા ભજવી હતી. મિલરે 68 રનની અણનમ ઇનિંગ્સ રમી અને કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે ચોથી વિકેટ માટે અણનમ સદીની પાર્ટનરશિપ કરી હતી. હાર્દિક પંડ્યા 27 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 40 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઉપરાંત તેણે 1 વિકેટ પણ લીધી હતી.
મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, 'મેં મારા જીવનમાં બધી ચીજોને સંતુલિત કરવાનું શરૂ કર્યું છે. હું છેલ્લા કેટલાક સમયથી આ માટે પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેમાં મારા પરિવાર, મારા પુત્ર, મારી પત્ની અને મારા ભાઈએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે મને જીવનમાં તટસ્થ રહેવાની છૂટ આપી. હું ઘરે જવા અને મારા પરિવાર સાથે થોડો સમય વિતાવવા માટે ઉત્સુક છું, તેનાથી જ મને વધુ સારા ક્રિકેટર બનવામાં મદદ મળી છે. હાર્દિક તેની ફિટનેસને લઈને પણ ખૂબ ચિંતિત હતો. જેના કારણે તે લાંબા સમય સુધી મેદાનની બહાર રહ્યો હતો. જ્યારે તે પાછો ફર્યો, ત્યારે તે બોલિંગ કરી શક્યો ન હતો. હવે તેણે ધીમે-ધીમે બોલિંગ શરૂ કરી અને IPLની આ સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું છે.
તેણે વધુમાં કહ્યું કે, 'અત્યારે હું વધુ નથી વિચારી રહ્યો. ટીમના તમામ 23 ખેલાડીઓ અલગ-અલગ પાત્રોમાં છે, તેઓ બધી ચીજોમાં સ્પર્ધા કરે છે. મેં ડેવિડ મિલરને હમણાં જ કહ્યું હતું કે જો તમારી આસપાસ સારા લોકો હોય તો તમને સારી વસ્તુઓ મળે છે.
તેણે કહ્યું, 'હું જોઈ શકું છું કે પ્લેઈંગ ઈલેવનમાં ન હોય તેવા ખેલાડીઓ પણ ઈચ્છે છે કે ટીમ સારું પ્રદર્શન કરે. રાશિદ ખાને સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મને મિલર પર ગર્વ છે. મેં તેને કહ્યું કે રમતનું સન્માન કરવું જોઈએ. અમે મુંબઈ ઈન્ડિયન્સ સામે ભૂલ કરી હતી અને અહીં રમતનું સન્માન કરવા ઈચ્છતા હતા. અમે બંને મેચ પૂરી કરવા માંગતા હતા.
પંડ્યાએ ઉમેર્યું કે, 'જ્યારે પણ મારે રમવાની જરૂર હોય છે, ત્યાં હું ઉતરું છું. હું સામાન્ય રીતે પૂછતો નથી કે મારે ક્યાં બેટિંગ કરવી જોઈએ છે. મને ટીમ માટે રમીને સફળતા મેળવી છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે દરેક આ સફળતામાં જોડાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર