નવી દિલ્હી : વિરાટ કોહલી (Virat Kohli)અત્યાર સુધી આઇપીએલનું ટાઇટલ જીતી શક્યો નથી. આઈપીએલ 2022 (IPL 2022) પહેલા તેણે ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. આવામાં આશા હતી કે તે બેટથી શાનદાર પ્રદર્શન કરશે અને ટીમ આગળ વધશે. ટી-20ની 15મી સિઝનમાં ટીમે સારી શરૂઆત કરી હતી પણ ફાફ ડુ પ્લેસીની આગેવાનવાળી ટીમનો અંતિમ 6 મેચમાંથી 4 માં પરાજય થયો છે. જેના કારણે ટીમનો પ્લેઓફમાં (IPL 2022 Playoffs)પહોંચવાનો રસ્તો મુશ્કેલ થયો છે. શુક્રવારે ટી-20ના 60માં મુકાબલામાં પંજાબ કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો (RCB)554 રને કારમો પરાજય થયો હતો. આ ટીમનો 13 મેચમાં છઠ્ઠો પરાજય છે. ટીમ હાલ 14 પોઇન્ટ સાથે ચોથા નંબર પર છે. આરસીબીની ટીમ અત્યાર સુધી એકપણ આઈપીએલ ટાઇટલ જીતી શકી નથી.
આરસીબી 19 મે ના રોજ અંતિમ લીગ રાઉન્ડના મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. ગુજરાતની ટીમ પહેલા જ પ્લેઓફમાં પહોંચી ગઇ છે. તેણે 12માંથી 9 મેચમાં જીત મેળવી છે. ટોપ-6 ટીમોની વાત કરવામાં આવે તો ફક્ત આરસીબીની રનરેટ જ માઇનસમાં છે. ટીમની રનરેટ -0.323 છે. આવામાં જો ગુજરાત સામેના અંતિમ મુકાબલામાં પરાજય થાય તો પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઇ જશે. પ્રથમ લીગ મુકાબલામાં ગુજરાતની ટીમ આરસીબીને 6 વિકેટે હરાવી ચુકી છે.
લખનઉ સુપર જાયન્ટ્સના 12 મેચમાં 16 પોઇન્ટ છે. ટીમ બાકી બચેલી બે મેચમાંથી એકમાં જીત મેળવશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની 2-2 મેચ બચી છે. રાજસ્થાનના 14 પોઇન્ટ છે. જ્યારે દિલ્હી અને પંજાબના 12-12 પોઇન્ટ છે. રાજસ્થાને લખનઉ અને સીએસકે સામે ટકરાવવાનું છે. જ્યારે દિલ્હીને પંજાબ અને મુંબઈ સામે રમવાનું છે. પંજાબ અને દિલ્હીમાંથી એક જ ટીમ 16 પોઇન્ટ સુધી પહોંચી શકશે. હૈદરાબાદના 11 મેચમાં 10 જ્યારે કેકેઆરના 12 મેચમાં 10 પોઇન્ટ છે.
કેકેઆર અને હૈદરાબાદ વચ્ચે 15 મે ના રોજ મુકાબલો થશે. કેકેઆર માટે આ મેચ કરો યા મરો સમાન છે. ટીમનો જો આ મેચમાં પરાજય થશે તો પ્લેઓફની રેસમાંથી બહાર થઇ જશે. તે અંતિમ મેચ 18 મે ના રોજ લખનઉ સામે ટકરાશે. કેકેઆર જો બન્ને મેચમાં જીત મેળવશે તો તેના 14 પોઇન્ટ થઇ જશે. તેની રનરેટ આરસીબી કરતા સારી છે. જીત થતા તેમાં વધારો થશે. આવામાં આરસીબી પાસે હવે જીત મેળવવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. જ્યારે હૈદરાબાદને બાકી બચેલી ત્રણ મેચ જીતવી પડશે. મુંબઈ અને સીએસકેની ટીમ પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર