ક્રિકેટર કેએલ રાહુલ RPSG ગ્રુપની માલિકીની લખનઉ સ્થિત ફ્રેન્ચાઇઝી (Lucknow based franchise) સાથે જોડાઈ ગયો હોવાની વાતો ઘણા સમયથી વહેતી થઈ હતી. ત્યારે તાજેતરના અહેવાલો અનુસાર, કેએલ રાહુલ આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝનમાં નવી ફ્રેન્ચાઇઝી એટલે કે લખનઉની ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
આ બાબતે લીગ અધિકારીએ સમાચાર એજન્સી PTIને જાણ કરી હતી. તેમના કહ્યા મુજબ, કેએલ રાહુલને લખનઉ સ્થિત ફ્રેન્ચાઇઝીની ટીમના સુકાની તરીકે પસંદ કરવામાં આવનાર છે. આ માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. આરપી- સંજીવ ગોએન્કા જૂથની માલિકીની ફ્રેન્ચાઇઝી કેએલ રાહુલ ઉપરાંત તેના ડ્રાફ્ટમાં અન્ય બે ખેલાડીઓને ઉમેરશે. અહેવાલો અનુસાર તે બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટિયોનિસ અને ભારતના અનકેપ્ડ યુવા ખેલાડી રવિ બિશ્નોઈ હોવાની શક્યતા છે.
પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમતી વખતે કેએલ રાહુલ નવી શરૂઆત કરવા ઇચ્છતો હતો. અત્યારે તેની પાસે તક છે. હવે તેની સાથે લખનઉમાં બિશ્નોઈ પણ જોડાશે, તે પણ પંજાબ કિંગ્સમાં જોડાયો હતો. બીજી તરફ સ્ટોઇનિસ ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સ (DC) સાથે હતો
રાહુલ બનશે કેપ્ટન
લખનૌએ રાહુલને પોતાના નંબર 1 ખેલાડી તરીકે પસંદ કર્યો છે અને તેને 15 કરોડ રૂપિયા આપવામાં આવશે. તે બાદ સ્ટોઇનિસને બીજા નંબર પર 11 કરોડ જ્યારે રવિને 4 કરોડ રૂપિયા આપવામાં આવશે.
IPLની હાલની આઠ ટીમોમાં બે નવી ફ્રેન્ચાઇઝી ઉમેરવામાં આવી છે. RPSG ગ્રુપે લખનઉ ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે 7090 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. લખનઉ સાથે અમદાવાદની ફ્રેન્ચાઇઝી પણ નક્કી થઈ હતી.
અમદાવાદનો કેપ્ટન બનશે હાર્દિક
સીવીસી કેપિટલ જૂથની માલિકીની અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝી માટે હાર્દિક પંડયા નેતૃત્વ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. તેમણે ટિમ માટેના પ્લાનિંગને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ સાથે બંને નવી ટીમોએ તેમની ત્રણ ડ્રાફ્ટ પસંદગીઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે અને તેમની બાકીની ટીમની ખરીદી પૂર્ણ કરવા માટે ફેબ્રુઆરીમાં યોજાનારી IPL 2022ની મેગા હરાજીમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલ હાલ રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે. ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ત્રણ વન ડેની શ્રેણી રમશે, જેમાંથી પ્રથમ મેચ બુધવારે રમાશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર