નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2022)માં આ વખતે બે નવી ટીમ રમવા ઉતરશે. જેમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat titans)નો સમાવેશ પણ થાય છે. ગુજરાત ટાઇટન્સ 28 માર્ચે તેના આઈપીએલ અભિયાનની પ્રથમ મેચ રમશે. જેમાં તે અન્ય નવી ટીમ લખનઉ સુપરજાયન્ટ્સ સાથે ટકરાશે. ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) છે. ત્યારે આઇપીએલ પહેલા જ હાર્દિક પંડ્યાએ ટીમના વિવિધ પાસાઓ અંગે નિવેદન આપ્યું છે.
પંડયાએ કહ્યું કે, તેની રમત અને ફિટનેસ (Hardik pandya fitness) માં સતત સુધારો થતો રહે છે અને તેનું ધ્યાન તેના નિયંત્રણમાં હોય તેવી બાબતો પર છે. હાર્દિક 2019માં પીઠની ઈજાનો ભોગ બન્યો ત્યારથી ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. આ કારણે તેને ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામેની છેલ્લી કેટલીક શ્રેણીમાં ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ન હતું.
આઇપીએલ (IPL 2022) વેબસાઇટ પર મુકવામાં આવેલા વીડિયોમાં હાર્દિકે કહ્યું કે, હું માત્ર પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો હતો, હંમેશાની જેમ સખત મહેનત કરી રહ્યો હતો. સારી રીતે તૈયારી થાય તેના પ્રયાસ કરું છું. આ સમય દરમિયાન મારી પાસે વિચારવા માટે ઘણો સમય હતો કે હું શું ઇચ્છું છું અને મારા માટે શું સારું રહેશે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિકને આ વર્ષે ફેબ્રુઆરીમાં આઈપીએલની મેગા હરાજી પહેલા મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકને ટીમમાં જાળવી રાખ્યો ન હતો, ત્યારબાદ હાર્દિકને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
હાર્દિક પંડ્યાએ કહ્યું, મને નથી લાગતું કે આ મારું કમબેક હશે કે હું આના પર ધ્યાન આપી રહ્યો છું. અત્યારે હું ફક્ત સકારાત્મક માનસિકતા સાથે રહેવા માંગુ છું અને હું વધુ આગળનું વિચારી રહ્યો નથી. જે મારા શરીરને અનુકૂળ હોય અને જેનાથી હું ટીમની સફળતામાં ફાળો આપી શકું તેવી મારા નિયંત્રણમાં રહેલી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.
હાર્દિકે ઉમેર્યું હતું કે, જો હું આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ માટે સારું પ્રદર્શન કરીશ, તો ભવિષ્ય માટે વધુ સારું રહેશે. હું હમણાં ફક્ત એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. મારા માટે ટીમના ખેલાડીઓ માટે હંમેશા ઉપલબ્ધ રહેવું જરુરી બની રહેશે. હું ખેલાડીઓને સુરક્ષા અને પોતાના પ્રમાણે રમવાની સ્વતંત્રતા આપવા માંગુ છું
હાર્દિકનો ગ્રેડ ગગડ્યો
બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં હાર્દિક ગ્રેડ એમાંથી ગ્રેડ સીમાં સરકી ગયો છે. તાજેતરમાં તેણે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (NCR)માં પોતાની ફિટનેસનું મૂલ્યાંકન કર્યું હતું અને બોલિંગમાં આરામથી યો-યો ટેસ્ટ પણ પાસ કર્યો હતો.
તેણે કહ્યું કે, હું લાંબા સમયથી રમતથી દૂર છું તેથી હું આ આઈપીએલની રાહ જોઈ રહ્યો છું. આ આઈપીએલ મારા માટે રોમાંચક છે, હું ત્રણ મહિનાની સખત મહેનત પછી ખરેખર ક્યાં છું તે જોવા મળશે. હાર્દિકે ઉમેર્યું કે, હું શીખ્યો છું કે પરિણામથી કોઈ ફરક પડતો નથી કારણ કે માત્ર મહેનતથી તમને સફળતાની ગેરન્ટી મળતી નથી. યોગ્ય પ્રક્રિયાને અનુસરીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર