Home /News /sport /IPL-2022 Final, RR vs GT: આઈપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર
IPL-2022 Final, RR vs GT: આઈપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર
આઈપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર
IPL-2022 Final - બે મહિના પહેલા જ્યારે આઈપીએલની વર્તમાન સિઝન શરૂ થઇ હતી ત્યારે ભાગ્યે જ કોઇએ વિચાર કર્યો હશે કે ફાઇનલમાં સંજૂ સેમસન અને હાર્દિક પંડ્યાની ટીમ મેદાનમાં ઉતરશે
નવી દિલ્હી : આઈપીએલમાં (IPL-2022)ચેમ્પિયન બનવા માટે રવિવારે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)વચ્ચે ફાઇનલ (IPL-2022 Final) મુકાબલો રમાશે. 15 વર્ષ પહેલા આઈપીએલની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનેલું રાજસ્થાન રોયલ્સ ફરી એક વખત ઇતિહાસ દોહરાવવા માંગશે. તો બીજી તરફ દિગ્ગજોને ધૂળ ચટાડીને પોતાની ડેબ્યૂ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાત ટાઇટન્સ પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવવાનો પ્રયત્ન કરશે.
હાર્દિક પંડ્યા માટે બે મહિનાની સફર સપના જેવી
બે મહિના પહેલા જ્યારે આઈપીએલની વર્તમાન સિઝન શરુ થઇ હતી ત્યારે ભાગ્યે જ કોઇએ વિચાર કર્યો હશે કે ફાઇનલમાં સંજૂ સેમસન અને હાર્દિક પંડ્યા (Hardik Pandya)મેદાનમાં ઉતરશે. પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચડાવ જોઇ ચુકેલા હાર્દિક પંડ્યા અને મુખ્ય કોચ આશિષ નેહરા માટે સફર સપના જેવું રહી છે. હરાજી પછી આ ટીમને જાણ્યા વગર રેસમાંથી બહાર માનનારા ક્રિકેટ પંડિતોથી લઇને ટિકાકારો સુધી બધાને પોતાના પ્રદર્શનથી જવાબ આપ્યો છે.
ગુજરાત ટાઇટન્સ કાગળ પર એટલી મજબૂત ન હતી
વન મેચ વંડર કહેવાતા રાહુલ તેવાટિયા અને સતત સારું પ્રદર્શન ના કરી શકનાર ડેવિડ મિલર જેવા ખેલાડીઓની આ ટીમને કાગળ પર એટલી મજબૂત માનવામાં આવતી ન હતી. જોકે ક્રિકેટ તો અનિશ્ચિતતાની રમત છે જે મેદાન પર નસીબ બનાવે છે અને બગાડે છે.
ફિટ બનીને ફોર્મમાં પરત ફરેલા હાર્દિકે પોતાની કેપ્ટનશિપમાં દમ બતાવ્યો છે. કેપ્ટનશિપનું દબાણ લીધા વગર પણ બેટિંગમાં ચમક્યો છે. બીજી તરફ પાંચ વર્ષથી પોતાની લયમાં પરત ફરવા સંઘર્ષ કરી રહેલા મિલરે બધાને ચોંકાવી દીધા છે. તેવાટિયાએ પણ સાબિત કર્યું છે કે શારજાહમાં ફટકારેલી 5 સિક્સરો ફક્ત એક તુક્કો ન હતો. રાશિદ ખાને પોતાની ઉપયોગીતા બતાવી છે. બીજી તરફ રિદ્ધિમાન સાહાએ પોતાના પ્રદર્શનથી ઓછામાં ઓછા એક સત્ર માટે પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે.
ગુજરાતને મળશે ઘરેલું દર્શકોનો ફાયદો
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઘરેલું દર્શકો વચ્ચે રમવાનો લાભ ગુજરાત ટાઇટન્સને મળશે. એક લાખ કરતા વધારે પ્રશંસકો સ્ટેડિયમમાં હાજર રહેવાના છે. જેમાં મોટાભાગના ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરશે.
સંજૂ સેમસનની કેપ્ટનશિપ સુધરી
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસનની કેપ્ટનશિપમાં દિવસેને દિવસે સુધારો થઇ રહ્યો છે. જેનો ફાયદો ટીમને મળી રહ્યો છે. સંજૂ એવા ખેલાડીઓમાં છે તે ભારત માટે ટી-20 મેચ રમ્યો નથી પણ તેની લોકપ્રિયતા કમાલની છે. કેપ્ટનશિપમાં સફળતા સાથે તેની પ્રતિભા નીખરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર