Covid: IPL આ સીઝન માટે સસ્પેન્ડ, અનેક ખેલાડી કોરોના સંક્રમિત થયા બાદ BCCIએ લીધો નિર્ણય

Covid: IPL આ સીઝન માટે સસ્પેન્ડ, અનેક ખેલાડી કોરોના સંક્રમિત થયા બાદ BCCIએ લીધો નિર્ણય
ફાઇલ તસવીર

કોરોના વાયરસના કારણે આઈપીએલ 2021ને સ્થગિત કરવામાં આવી છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પુષ્ટી કરી

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસ વધતા આઈપીએલ 2021 સ્થગિત કરવામાં આવી છે. આ સિઝન માટે આઈપીએલને સ્થગિત કરવામાં આવી હોવાના અહેવાલોની બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સમાચાર સંસ્થા એએનઆઈની જાણકારી આપી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સમાં કોરોના પહોંચતા ધીરે ધીરે ચેપ વધવાની શક્યતાઓ જણાઈ રહી હતી. તેવામાં આખરે બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

    બે દિવસમાં ખેલાડીઓ વરૂણ ચક્રવર્તી, સંદીપ વારિયર, વૃધ્ધિમન સહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8 ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના બે સભ્યોના સંક્રમિત થવાના અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કહ્યું કે ટૂર્નામેન્ટને રદ કરવું જરૂરી છે. લીગમાં જોડાનારા દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.



    જ્યાં મેચ રમાવાની હતી એ શહેરોની હાલત હતી નાજુક

    આઈપીએલની આગામી મેચ અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર અને કોલકાતામાં યોજાવાની હતી. જોકે, ચાર શહેરોમાં કોરોના બેકાબૂ બન્યો હતો અને સ્થાનિક તંત્ર સાથે લોકોની હાલત ખરાબ છે. અહીં, પાછલા કેટલાક દિવસોમાં, કોરોના 5000થી લઈને 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. એક દિવસ પહેલાં જ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.

    દિલ્હીમાં બીજા તબક્કાની ચાર મેચ બાકી હતી.  દરમિયાન અમદાવાદમાં પ્લે ઑક્સ અને ફાઈનલ સહિતની વધુ 7 મેચ હતી. આ સિવાય બેંગ્લોરમાં પણ 10 મેચ થવાની હતી. અહીંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર હજી સુધી કોઈ મેચ થઈ નહોતી. દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સીઝનની કોઈ મેચ રમવામાં આવી ન હતી.

    બીસીસીઆઈએ પ્લાન બી બનાવ્યો હતો

    આઈપીએલમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ચેપ લાગ્યા બાદ, બીસીસીઆઈએ પ્લાન બી પર કામ શરૂ કર્યું. લીગની બાકીની મેચોને મુંબઈ ખસેડવાની તૈયારી ચાલી રહી હતી. આ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાકીની મેચ મુંબઇના ત્રણ ગ્રાઉન્ડ વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજવાનું કામ ચાલી રહ્યું હતું. વાનખેડેમાં સિઝનની 10 મેચ પહેલાં જ રમી શકાઈ હતી. બાકીના બે સ્ટેડિયમ પણ મેચ માટે તૈયાર હતા. આ અઠવાડિયાના અંતથી આઈપીએલને મુંબઇ ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો તેવું હોત, તો અમદાવાદની ફાઇનલ્સ અને પ્લેઓફ્સ પણ અહીં રમાઈ હોત. પરંતુ તે પહેલા આઈપીએલ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
    Published by:Jay Mishra
    First published:May 04, 2021, 13:28 pm

    ટૉપ ન્યૂઝ