IPL : ખેલાડીઓના ખજાનાની ખોજ, પોતાનો દમ બતાવવાનું પ્લેટફોર્મ મળશે

વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલનો 9 એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે

વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલનો 9 એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે

  • Share this:
    શૈલેષ મકવાણા, અમદાવાદ : વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલનો 9 એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. દેશ-વિદેશથી ક્રિકેટર્સનો કુંભમેળો ભારતમાં ભેગો થયો છે. પરંતુ વાત આપણા દેશના ઉભરતા ખેલાડીઓની છે જેઓને આઈપીએલથી પોતાનો દમ બતાવવાનું પ્લેટફોર્મ મળશે. ટીમ ઈન્ડિયાની વન-ડે અને ટી-20ની ટીમ પર નજર કરીએ તો મોટાભાગના ખેલાડીઓએ આઈપીએલમાં દમદાર દેખાવ કરીને ભારતીય ટીમમાં એન્ટ્રી કરી છે.

    એક સમય હતો કે પસંદગીકારોને યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ માટે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી જેવી આંગળીના વેઢે ગણી શકાય એટલી ટૂર્નામેન્ટ પર આધાર રાખવો પડતો હતો અને આવી ટૂર્નામેન્ટમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડીઓને પુરતું પ્લેટફોર્મ નહોતું મળતું અથવા તો પુરતી તક નહોતી મળતી. પરંતુ જ્યારથી આઈપીએલની શરૂઆત થઇ ત્યારથી ખાસ કરીને યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહ્યું છે.

    ધુંઆધાર દેખાવ કરીને પસંદગીકારોને મનાવવા યુવા ખેલાડીઓમાં રીતસરની રેસ લાગતી અને વખતે પણ લાગશે. આઈપીએલના ખજાનામાંથી ભારતને કેટલાય પ્રતિભાશાળી ખેલાડીઓની ભેટ મળી છે. કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, ચહલ જેવા ટેલેન્ટેડ ખેલાડીઓની ભરમાર અત્યારે ભારતીય ટીમની શાન છે. આ ઉપરાંત હાલમાં જે ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું તેઓએ પણ પોતાને મળેલી તક બંને હાથે વધાવી લીધી. ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ આ બંને ખેલાડીઓ આઈપીએલની જ દેન છે. ક્રિકેટ પંડીતો તો એવું પણ કહી રહ્યા છે કે આ બંનેમાં એટલી પ્રતિભા છે કે તેઓને એક વર્ષ મોડી તક મળી.

    આ પણ વાંચો - IPL 2021: બીસીસીઆઈની મોટી જાહેરાત, ટી-20 લીગના ખેલાડીઓને લાગશે કોરોના વેક્સીન

    2021ની આઈપીએલમાં પણ કેટલાય એવા નામ છે જે કોહલી એન્ડ કંપનીની સેનામાં સામેલ થવાના હકદાર છે. 2021ની સિઝનમાં તેઓ ધમાકેદાર દેખાવ કરશે તો યુવા ખેલાડીઓની એવી ફોજ તૈયાર થશે કે આગામી ટી-20 વર્લ્ડકપ માટે સિલેક્શન કમિટિ સામે ખેલાડીઓના નામનું લિસ્ટ બહુ લાબું હશે. દેવદત્ત પડિકલ, નીતિશ રાણા, શુભમન ગિલ, પૃથ્વી શૉ, રાહુલ તિવેટીયા, મોહમ્મદ અઝહરુદ્દીન, રાહુલ ત્રિપાઠી, ઋતુરાજ ગાયકવાડ આ એવા નામ છે જે આઈપીએલમાં ધૂમ મચાવવા આતુર છે. બની શકે કે આ ખેલાડીઓ જોરદાર દેખાવ કરીને ભારતીય ટીમના દરવાજા ખખડાવતા હોય. જે યુવા ખેલાડીઓ ચર્ચામાં છે એમાંથી જો પાંચેક ખેલાડીઓ સફળ થશે તો આગામી સમયમાં બેકઅપ માટે ભારત પાસે યુવા ખેલાડીઓની ફોજ હશે. હાલમાં જ રમાયેલી ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ જોવા મળ્યું કે જે નવા ખેલાડીને તક અપાઈ એ ખેલાડીએ પ્રદર્શન પણ કરી બતાવ્યું. એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે ભારતીય ટીમ પાસે હવે ખેલાડીઓનો ખજાનો છે.

    ટી-20 વર્લ્ડકપ નજીક છે ત્યારે સિલેક્શન કમિટિ આઈપીએલ પર નજર રાખીને બેઠી હશે. ઇતિહાસ સાક્ષી છે કે આઈપીએલની દરેક સિઝન બાદ કેટલાક એવા નામ ઉભરીને સામે આવે છે જેની ચર્ચા ક્રિકેટ વર્તુળમાં થાય છે. અને આગળ જતાં તે ભારતીય ટીમનો ભાગ પણ હોય છે . આશા રાખીએ કે આ વખતની આઈપીએલમાંથી યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ મજબૂત દેખાવ કરે.
    Published by:Ashish Goyal
    First published: