વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલએ (IPL 2021) નવા ખેલાડીઓની ઓળખ કરાવી છે. જેમાં ગુજરાતી ડાબોડી ઝડપી બોલર ચેતન સાકરીયાનું (Chetan sakariya) નામ પણ જોડવામાં આવ્યું છે. રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) તેને પંજાબ કિંગ્સ સામે આઈપીએલ (IPL) ડેબ્યૂ કરવાની તક આપી હતી. સાકરિયાએ પણ પ્રથમ મેચમાં વિકેટ ઝડપી પાડી હતી. વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) ચેતન સાકરિયાના જીવનની ઘણી જ ભાવુક વાત ટ્વિટર પર શેર કરી છે.
'જો તે આજે જીવતો હોત, તો તે મારા કરતા પણ વધારે ખુશ હોત.'
ચેતન સાકરીયાની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી પરંતુ રાજસ્થાને તેને 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જોકે તેના માટે આઈપીએલમાં રમવું સરળ નહોતું. આ વર્ષે જાન્યુઆરીમાં તેના ભાઈએ આત્મહત્યા કરી હતી. લીગ પહેલા ચેતન સાકરીયાએ કહ્યું હતું કે, 'મારા ભાઈ રાહુલે જાન્યુઆરીમાં આત્મહત્યા કરી હતી. હું તે સમયે ટી -20 સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો. મને ખબર પણ નહોતી કે તે ઘરે પરત ફરતા પહેલા જ ગુજરી ગયો હતો." ટૂર્નામેન્ટ દરમિયાન જ્યારે પણ હું મારા પરિવારના સભ્યોને રાહુલ સાથે વાત કરાવવાનું કહેતો ત્યારે તે બહાના કરીને ટાળી દેતા હતા. આજે હું તેને સૌથી વધુ યાદ કરું છું. જો તે આજે જીવતો હોત, તો તે મારા કરતા પણ વધારે ખુશ હોત.'
આ અંગે વિરેન્દ્ર સહેવાગે પણ એક ટ્વિટ કરીને લખ્યું છે કે, થોડા મહિના પહેલા જ ચેતન સાકરિયાના ભાઇએ આપઘાત કરીને જીંદગી ટૂંકાવી દીધી હતી. ત્યારે ચેતન એસએમએ ટ્રોફી રમી રહ્યો હતો એટલે તેના માતાપિતાએ આ વાત તેને કહી ન હતી. આ યુવાન ખેલાડી અને તેના પરિવાર માટે ક્રિકેટ એટલે શું તે આનાથી સમજી શકાય. આઈપીએલ એ ભારતીય સપનાનું અને અસાધારણ સમસ્યાઓનું સાચું માપદંડ છે. 🙏🏼Great prospect
આ સાથે થોડું લખાણ શેર કર્યું છે, જેમાં ચેતન અને તેના પરિવારની કહાની તેની માતા જ જણાવે છે. આમાં ચેતનના માતા જણાવે છે કે, અમે જે પીડા સહન કરી છે તેવી બીજા કોઇને ન આવે તેવી પ્રાર્થના છે. મારો બીજો દીકરો જે ચેતન કરતા એક વર્ષ નાનો હતો, તેણે એક મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. ત્યારે ચેતન સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમી રહ્યો હતો. જેમાં તેમણે હાઇએસ્ટ છ વિકેટ લીધી હતી. અમે તેને 10 દિવસ સુધી તેના ભાઇના મોત અંગે જણાવ્યું ન હતું. અમે તેની રમત પર અસર થાય તેવું ઇચ્છતા ન હતા. અમે તેને કહ્યું હતું કે, તેના પિતાની તબિયત સારી નથી.
'દરવખતે ચેતન તેના પિતાની તબિયત અંગે પૂછતો અને ભાઇ સાથે વાત કરવાનું કહેતો હતો. પણ હું વાત જ બદલી દેતી હતી. હું તેને પિતા સાથે વાત કરવા દેતી ન હતી, કારણ કે મને ખબર હતી કે, મારા પતિ તેને હકીકત જણાવી દેશે. પરંતુ એક દિવસ ફોનમાં વાત કરતી વખતે હું તૂટી ગઇ. ભાઇના મોતની વાત ખબર પડતા અઠવાડિયું તે કોઇની સાથે બોલ્યો ન હતો કે કાંઇ ખાધુ ન હતું. બંને ભાઇઓ ઘણાં જ નજીક હતા.'
'આ દુર્ઘટનાના એક મહિના પછી જ ચેતન આઇપીએલ માટે 1.20 કરોડ માટે સિલેક્ટ થયો હતો. સપના જેવું લાગે છે, અમે રૂપિયા માટે ઘણી મહેનત કરી છે. ચેતનના પિતા લોરી ડ્રાઇવર હતા. પરંતુ તેમને ત્રણ અકસ્માત થતા હાલ તે પથારીવશ છે. તેથી તે કમાઇ શકતા પણ ન હતા. હજી તે દીકરાના આપઘાતના દુખમાંથી બહાર નથી આવી શક્યા.'
Chetan Sakariya's brother died of suicide few months ago,his parents didn't tell him for 10 days as he was playing the SMA trophy. What cricket means to these young men,their families .IPL is a true measure of the Indian dream & some stories of extraordinary grit🙏🏼Great prospect pic.twitter.com/r0mISy9Asv
'પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચેતન મોટો થયો ત્યારથી મામાની સ્ટેશનરીની દુકાનમાં કામ કરતો હતો. પાંચ વર્ષ પહેલા અમારી પાસે ટીવી પણ ન હતું. ક્રિકેટમાં ચેતનને જે પણ સફળતા મળતી તે તેના પિતા બહારથી ખબર લાવતા અને ઘરે આવીને અમને કહેતા. માતા પતિના અકસ્માત પછી મારો બીજો દીકરો ઘરનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ હવે તે પણ નથી. આ બધા દર્દમાં ચેતન આઇપીએલમાં પસંદગી પામ્યો તે સમાચાર અમારા માટે દુખ હરવાનું કામ કરતા હતા. આ રુપિયાથી ચેતનને રાજકોટમાં અમારા માટે ઘર લેવું છે.'
'હું પણ સારીમાં સ્ટોન વર્ક કરીને પરિવારના ગુજરાનમાં ફાળો આપતી હતી. મારા બાળકો નાના હતા ત્યારથી જ હું તેમને ઘરે એકલા મૂકીને કામ કરવા જતી હતી. તે રૂપિયા હું તેમના ભણતર માટે વાપરતી. જ્યારથી ચેતનને આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળ્યો છે ત્યારથી મીડિયા અમને રોજ કોલ કરે છે આ કોલ સવારે 8 વાગ્યાથી શરૂ થઇ જાય છે. મારો દીકરો ઘણી જ મહેનત કરે છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર