મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે IPLની શરૂઆતના 6 દિવસ પહેલા એક ખરાબ સમાચાર આવ્યા છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2021)માં રમી રહેલા ટીમના ઓપનર ફાફ ડુ પ્લેસિસ ઘાયલ થયો છે.
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021 2nd Phase)ના બીજા તબક્કાની શરૂઆત માટે માત્ર 6 દિવસ બાકી છે અને મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2021) માં રમી રહેલા ટીમના ઓપનર ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plesis Injured) ઘાયલ થયો છે. તેની જાંઘના સ્નાયુઓમાં ઈજા પહોંચી છે. આ કારણોસર તે રવિવારે લીગમાં બાર્બાડોસ રોયલ્સ સામેની મેચમાં દેખાયો ન હતો. તેની ઈજા કેટલી ગંભીર છે, તે અત્યારે જાણી શકાયું નથી. ડુ પ્લેસિસ લીગની ટીમ સેન્ટ લુસિયા કિંગ્સના કેપ્ટન છે. તેની ગેરહાજરીમાં, આન્દ્રે ફ્લેચરે બાર્બાડોસ સામેની મેચમાં ટીમની કમાન સંભાળી.
ડુ પ્લેસિસની ઈજાએ માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સને નહિ, પરંતુ સેમીફાઈનલમાં પહોંચવાની સેન્ટ લુસિયાની આશાઓને પણ અસર કરી શકે છે. CPL પોઈન્ટ ટેબલમાં, સેન્ટ લુસિયા હાલમાં 9 મેચમાંથી 5 મેચમાં જીત સાથે ચોથા સ્થાને છે. તેને અંતિમ ચાર રેસમાં રહેવા માટે બાર્બાડોસ રોયલ્સ સામે તેની છેલ્લી મેચ જીતવાની જરૂર છે. પરંતુ પહેલાથી જ ફોર્મમાં રહેલી આ ટીમના કેપ્ટન ડુ પ્લેસિસ ઘાયલ થયા છે.
ડુ પ્લેસિસે CPLની જ છેલ્લી મેચમાં બાર્બાડોસ રોયલ્સ સામે 54 બોલમાં 84 રનની મહત્વની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સના કારણે, સેન્ટ લુસિયાએ માત્ર મેચ જ જીતી નથી, પણ CPL 2021ના પ્લેઓફની આશાઓને જીવંત રાખી છે. લીગની આ સિઝનની શરૂઆતની મેચોમાં ડુ પ્લેસિસનું બેટ શાંત હતું. તેણે પ્રથમ 4 મેચમાં 0, 10, 14 અને 2 રન બનાવ્યા હતા. પરંતુ 4 સપ્ટેમ્બરે સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સ સામેની મેચમાં તેણે 60 બોલમાં 120 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 13 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ડુ પ્લેસિસે 200ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. એટલે કે 82 રન માત્ર બાઉન્ડ્રીથી જ મેળવ્યા થયા હતા.
ફ્રેન્ચાઇઝી ટી 20 ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેનની આ પ્રથમ સદી હતી. ટી -20 માં આ તેનો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ 2015માં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 119 રનની ઈનિંગ રમી હતી. ઓવરઓલ ટી 20માં આ તેની બીજી સદી છે. ડુ પ્લેસિસની ઈજા CSK માટે ચિંતાનો વિષય છે. કારણ કે તેણે IPL 2021 ના પહેલા તબક્કામાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 7 મેચમાં 145 થી વધુના સ્ટ્રાઇક રેટ પર 320 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફિફ્ટી પણ કરી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર