અબુધાબીઃ IPL 2020ની 53મી મેચમાં ઋતુરાજ ગાયકવાડની ફિફ્ટીના દમ ઉપર ચેન્નઈ સુપર કિગ્સે (Chennai Super Kings) 9 વિકેટથી કિંગ્સ ઇલેવન પંજાબને (Kings XI Punjab) હરાવ્યું હતું. પંજાબે આપેલા 154 રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ 18.5 ઓવરમાં જ 154 રન બનાવીને પંજાબને હરાવ્યું હતું. પંજાબે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા હતા. ગ્લેન મેક્સવેલ અને અર્શદીપ સિંહની જગ્યાએ જિમી નીશમ અને મયંક અગ્રવાલ રમી રહ્યા છે.
ચેન્નાઈના ત્રણ ખેલાડીઓ પડ્યા પંજાબ ઉપર ભારે
અંબાતી રાયુડુ અને ઋતુરાજ ગાયકવાડના જોરાદાર પ્રદર્શનથી ચેન્નઈએ જીતનું મુકામ સર કર્યું છે. ગાયકવાડે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત ત્રીજી મેચમાં ફિફટી મારી છે. તે સતત 3 મેચમાં ફિફટી મારનાર ચેન્નાઈનો પ્રથમ પ્લેયર બન્યો છે. ઋતુરાજ ગાયકવાડે 49 બોલમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે અંબાતી રાયડુએ 30 બોલમાં 30 રન બનાવ્યા હતા. જ્યારે ફાફ ડુપ્લેસસીએ 34 બોલમાં 48 રન બનાવ્યા હતા. ચેન્નઈના ગાયકવાડ, ડુપ્લેસી અને રાયડુએ જ આખી મેચ પોતાના કબજામાં કરી લીધી હતી.
પંજાબે ચેન્નાઈને 154 રનનો ટાર્ગેટ આપ્યો
IPL 2020ની 53મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે અબુ ધાબી ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 20 ઓવરમાં 6 વિકેટે 153 રન કર્યા છે. કિંગ્સ માટે છઠ્ઠા ક્રમે રમવા આવેલા દિપક હુડાએ લીગમાં પોતાની બીજી ફિફટી ફટકારતા સર્વાધિક 62* રન કર્યા હતા.
હુડાએ 30 બોલની ઇનિંગ્સ દરમિયાન 4 સિક્સ અને 3 ફોર મારી. તેના સિવાય લોકેશ રાહુલે 29 અને મયંક અગ્રવાલે 26 રનનું યોગદાન આપ્યું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહીં. ચેન્નાઈ માટે લુંગી ગિડીએ 3 વિકેટ, જ્યારે શાર્દુલ ઠાકુર, ઇમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.
ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ લીધી
ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ધોનીએ કહ્યું કે, આ તેની લીગમાં કોઈપણ રીતે છેલ્લી મેચ નથી. ચેન્નાઈએ પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. ફાફ ડુ પ્લેસીસ, શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિરને ટીમમાં શેન વોટ્સન, કર્ણ શર્મા અને મિચેલ સેન્ટનરની જગ્યાએ સ્થાન મળ્યું છે.