શેન વોટ્સનની અડધી સદી (96)ની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ચેન્નાઈએ 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત બનાવી દીધું છે.
પ્લેસિસ 1 રને રન આઉટ થયો હતો. આ પછી રૈના અને વોટ્સને 77 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. રૈના 38 રન બનાવી આઉટ થયો હતો. રૈનાના આઉટ થયા પછી વોટ્સને એકછેડો સાચવી રાખી બાજી સંભાળી હતી.
વોટ્સને 53 બોલમાં 9 ફોર અને 6 સિક્સર સાથે 96 રન બનાવી આઉટ થયો હતો. રાયડુ અને વોટ્સને 80 રનની ભાગીદારી કરી હતી.આ પહેલા વોટ્સને 35 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા.
મનીષ પાંડે (83*) અને ડેવિડ વોર્નરની અડધી સદી (57)ની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા છે. ચેન્નાઈને જીતવા માટે 176 રનનો પડકાર મળ્યો છે. હૈદરાબાદે અંતિમ 5 ઓવરમાં 41 રન બનાવ્યા હતા.
બેરિસ્ટો ખાતું ખોલાયા વિના હરભજનનનો શિકાર બન્યો હતો. મનીષ પાંડે અને વોર્નરે અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. પાંડેએ 25 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા. જ્યારે વોર્નરે 38 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા.
અડધી સદી પછી વોર્નર 57 રને હરભજનનો શિકાર બન્યો હતો. વોર્નર અને પાંડે વચ્ચે 115 રનની ભાગીદારી નોંધાઈ હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈની ટીમમાં શાર્દુલ ઠાકુરના સ્થાને હરભજન સિંહનો સમાવેશ કરાયો હતો. જ્યારે હૈદરાબાદની ટીમમાં શહબાઝ નદીમ અને કેન વિલિયમ્સનના સ્થાને મનીષ પાંડે અને સાકિબ અલ હસનનો સમાવેશ કરાયો હતો.