IPL 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સ પોતાના બીજા મુકાબલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે હારી ગઈ. આ મેચમાં ચેન્નાઈએ 203 રનના ટાર્ગેટને 1 બોલ બાકી રહેતા મેળવી લીધો હતો. સામાન્ય રીતે હાર બાદ ફ્રેન્ચાઈઝી માલિક હતાશ થઈ જાય છે પરંતુ રોમાંચક મેચ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.
શાહરૂખખાને મેચ બાદ ધોનીની પત્ની સાક્ષીને ગળે લગાવી અને ત્યાર બાદ પોતાની ટીમ સાથે ખુબ મસ્તી પણ કરી. શાહરૂખ પોતાના ચાર ખેલાડીઓ સાથે ડાન્સ કરતો નજરે પડ્યો હતો. શાહરૂખખાન સાથે આંદ્રે રસેલ, સુનિલ નારન, યુવા બેટ્સમેન શુભમાન ગિલ અને બોલર કમલેશ નાગરોટીએ ડાન્સ કર્યો.
શાહરૂખે આ ચારેય ખેલાડીઓને પોતાની ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ સોંગ પર ડાન્સ કરાવ્યો હતો. આ ચારેય ખેલાડીઓએ શાહરૂખ ખાનના ડ્રાન્સ સ્ટેપ ફોલો કરી રહ્યાં હતા. આ વીડિયો આંદ્રે રસેલે પોતાની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ વિરૂદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે અણનમ 88 રનની તોફાની ઈનિંગ રમી હતી. આંદ્રે રસેલે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ 36 બોલમાં એક ફોર અને 11 સિક્સની મદદથી 88 રનની ઈનિંગ રમી હતી. તે એક ઈનિંગમાં 11 અથવા તેનાથી વધારે સિક્સ ફટકારનાર આઈપીએલમાં માત્ર છઠ્ઠો ખેલાડી છે. આ દરમિયાન રસેલની એક સિક્સ 105 મીટરની હતી અને બોલ સ્ટેડિયમ બહાર ચાલી ગઈ હતી. આ આઈપીએલમા રસેલનો સૌથી શાનદાર બેટિંગ પર્ફોમન્સ હતો.