Home /News /sport /

આખી મહિલા ક્રિકેટ ટીમને જેટલી કોન્ટ્રાકટ ફી નથી મળતી તેનાથી વધુ રકમ એકલા વિરાટને મળે છે!

આખી મહિલા ક્રિકેટ ટીમને જેટલી કોન્ટ્રાકટ ફી નથી મળતી તેનાથી વધુ રકમ એકલા વિરાટને મળે છે!

તસવીર - AFP/AP)

મહિલાઓ પુરુષ સમોવડી હોવાની વાતો થાય છે, પણ વાસ્તવિક જીવનમાં સ્થિતિ અલગ જ છે

વિજય પ્રભાત શુક્લા

નવી દિલ્હી : મહિલાઓ પુરુષ સમોવડી હોવાની વાતો થાય છે, પણ વાસ્તવિક જીવનમાં સ્થિતિ અલગ જ છે. જેનો ચિતાર ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ બુધવારે મહિલા ક્રિકેટરો સાથે કરેલા વાર્ષિક કરારની યાદી પર નજર ફેરવતા જ આવી જાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડે નવી યાદીમાં 19 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આ ખેલાડીઓને A, B, C એમ ત્રણ ગ્રેડમાં વહેંચ્યા છે.

મહિલા ખેલાડીઓના કરારની રકમ પર નજર કરતા જ બીસીસીઆઈનું બેવડું વર્તન ઉડીને આંખે વળગશે. મહિલા અને પુરુષ ક્રિકેટરોના કરારની રકમમાં 14થી 70 ગણો તોતિંગ તફાવત જોવા મળે છે. ટોચના મહિલા ક્રિકેટરને વાર્ષિક કરાર માટે જેટલી રકમ આપવામાં આવે છે, તેના કરતાં 14 ગણી રકમ ટોચનો પુરુષ ક્રિકેટર મેળવે છે! એ જ રીતે ગ્રેડ Cની મહિલા ક્રિકેટરો અને ગ્રેડ Aના પુરુષ ક્રિકેટરોની વાર્ષિક કરાર ફીમાં 70 ગણો મસમોટો તફાવત છે.

જો તમને આ તફાવત તોતિંગ લાગતો હોય તો તમને વધુ આંકડા વધુ હેરાન કરી દેશે. ક્રિકેટ બોર્ડ દ્વારા એક વર્ષમાં વાર્ષિક કરાર માટે 19 મહિલા ક્રિકેટરોને જેટલી રકમ આપવામાં આવશે, તેનાથી વધુ રકમ એકલા વિરાટ કોહલીના વાર્ષિક કરાર માટે આપવામાં આવશે. આ ફી 1.90 કરોડ રૂપિયા વધુ છે. વિરાટ કોહલીને કરારમાં 7 કરોડ રૂપિયા અપાશે, જ્યારે 19 મહિલા ક્રિકેટરોને કુલ 5.10 કરોડ રૂપિયા આપવામાં આવશે.

બીજી તરફ મિતાલી રાજને વિરાટ કોહલી કરતા 23 ગણી ઓછી રકમની ઓફર કરવામાં આવી છે. મિતાલી રાજને વાર્ષિક 30 લાખ રૂપિયા મળશે. નવો કરાર ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021નો હોવાનું જાણવા મળે છે. મહિલા ક્રિકેટરો સાથે બોર્ડે આવું કર્યું હોય તેવુ પ્રથમ વખત નથી બન્યું. આટલી ફી વર્ષોથી આપવામાં આવે છે.

આ પણ વાંચો - રાજ્યમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટ, આવતીકાલથી સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી વેપારીઓ દુકાનો ખોલી શકશે

ઉલ્લેખનીય છે કે, મહિલા અને પુરુષ ક્રિકેટરોના ક્રિકેટ બોર્ડ 2006 સુધી અલગ અલગ હતા. BCCIએ 2006માં મહિલા ક્રિકેટ બોર્ડને પોતાની સાથે ભેળવી દીધું હતું. જોકે, ત્યારબાદ છેક 2014 સુધી મહિલા ક્રિકેટરોને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવતો ન હતો. કોન્ટ્રેક્ટ આપવાની શરૂઆત 2015માં થઈ હતી.

ગાંગુલી પણ ન્યાય ન અપાવી શક્યો

ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વમાં સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે. જેથી મહિલા ક્રિકેટરોની કોન્ટ્રાક્ટ ફીથી લઈ અન્ય સુવિધાઓ વધશે તેવી અપેક્ષા હતી. આ દરમિયાન સૌરવ ગાંગુલીને ભારતીય બોર્ડની જવાબદારી સોંપાઈ ત્યારે તો આશા વધુ ગાઢ બની હતી. પરંતુ હવે એક સરખા વેતનની આશા પર પાણી ફરી વળ્યું છે.

બે વર્લ્ડ કંપની ફાઇનલમાં પહોંચી ચુકી છે મહિલા ટીમ

માત્ર સમાનતા જ નહીં પ્રદર્શનના આધારે પણ સમાન વેતનની માંગ થાય છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગત વન-ડે વર્લ્ડકપ અને ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી. વર્તમાન યાદીમાં એવા ખેલાડીઓ સામેલ છે, તેમણે ગત વર્લ્ડકપમાં ભારત તરફથી સારું પ્રદર્શન કર્યું હતું. મિતાલી રાજ જેવી ખેલાડી વિશ્વની અન્ય ટીમોમાં પણ નથી. આવી સ્થિતિમાં મહિલા ક્રિકેટરને સારું વેતન અપાશે તેવી આશા ચાહકોને હતી.

કોને કેટલી રકમનો કોન્ટ્રાકટ મળ્યો?

ગ્રેડ Aમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવ એમ ત્રણ ખેલાડીને સ્થાન મળ્યું છે. આ ગ્રેડમાં વર્ષે રૂ. 50 લાખ મળે છે. ગ્રેડ B માટે રૂ. 30 લાખ અને ગ્રેડ C માટે રૂ. 10 લાખનો વાર્ષિક કરાર થયો છે. ગ્રેડ Bમાં મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી, દિપ્તી શર્મા, પૂનમ રાઉત, રાજેશ્વરી ગાયકવાડ, શેફાલી વર્મા, રાધા યાદવ, શિખા પાંડે, તાનિયા ભાટિયા અને જેમીમા રોડ્રિગિઝનો સમાવેશ થયો છે. ગ્રેડ Cમાં માનસી જોશી, અરુંધતી રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, હરલીન દેઓલ, પ્રિયા પૂનિયા અને રિચા ઘોષને સ્થાન મળ્યું છે.

કોન્ટ્રાકટ યાદી ટૂંકી કરી નાખી

પૈસા ઓછા આપવાની સાથે બોર્ડે કોન્ટ્રાકટ યાદી ટૂંકી કરી નાખી છે. ગત વખતે યાદીમાં 22 ખેલાડીઓને જગ્યા મળી હતી. હવે 19ને મળી છે. કોરોનામાં માતા અને બેનને ગુમાવી ચુકેલી વેદા કૃષ્ણમૂર્તિને BCCIનો કોન્ટ્રાકટ નથી મળ્યો. તેના સિવાય એકતા બીષ્ટ, ડી હેલમતા અને અનુજા પાટીલ પણ કોન્ટ્રાકટમાં સામેલ નથી.

રોહિત, વિરાટ અને બુમરાહના 7-7 કરોડના કરાર

નોંધનીય છે કે, પુરુષ ક્રિકેટરો સાથે BCCIનો કરાર ઓક્ટોબર 2020થી લઇ સપ્ટેમ્બર 2021 સુધીનો છે. પુરુષ ક્રિકેટરોને 4 ગ્રેડમાં વિભાજિત કરવામાં આવ્યા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને A+ પ્લસ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓનો 3 વર્ષનો કરાર રૂ. 7 કરોડ છે. જ્યારે A ગ્રેડના ક્રિકેટરોને રૂપિયા 5 કરોડ અને B તથા C ગ્રેડના ક્રિકેટરોને અનુક્રમે 3 અને 1 કરોડ આપવામાં આવે છે.
First published:

Tags: India womens cricket team, Womens cricket team, બીસીસીઆઇ, ભારત, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन