ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વિજય શંકર એડીમાં ઈજાના કારણે વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. અહેવાલ છે કે મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન મળી શકે છે. રવિવારે ઈંગ્લેન્ડની સામે રમાયેલી મેચમાં પણ વિજય શંકરને ઈજાના કારણે સ્થાન નહોતું મળ્યું. તેના સ્થાને રિષભ પંતને સ્થાન મળ્યું હતું.
બીસીસીઆઈના એક સીનિફર અધિકારીના હવાલાથી સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે, વિજયને જસપ્રીત બુમરાના બોલથી ફરી એકવાર પગમાં ઈજા થઈ. તેની સ્થિતિ ખૂબ સારી નથી અને તે આ ટૂર્નામેન્ટમાં આગળ રમવા માટે સમક્ષ નહીં હોય. તેને પરત ઘરે મોકલવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ વિજયના સ્થાને રિપ્લેસમેન્ટ તરીકે મયંક અગ્રવાલની માંગ કરી શકે છે. મયંક ઓપનર બેટ્સમેન છે. એવામાં તે ટીમમાં આવવાથી કેએલ રાહુલને નંબર ચાર પર બેટિંગ માટે મોકલી શકાશે.
Sources: Vijay Shankar ruled out from #CWC19 due to a toe injury; is likely to be replaced by Mayank Agarwal. (File pic of Vijay Shankar) pic.twitter.com/DtQejflOiG
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે. ઓપનર શિખર ધવન બાદ હવે વિજય શંકર પણ વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. આ પહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ ઈજાના કારણે મેચ નથી રમી શકતો. મળતી માહિતી મુજબ વિજય શંકરને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. વિજય શંકર નેટ્સ પર બેટિંગ કરી રહ્યો હતો અને જસપ્રીત બુમરાહનો યોર્કર તેના પગમાં વાગ્યો હતો. બુમરાહના બોલ પર ઈજા થયા બાદ વિજય શંકર નેટથી બહાર ચાલ્યો ગયો હતો.
બીસીસીઆઈ સૂત્રના આ નિવેદનથી માનવામાં આવી રહ્યું છે કે બોર્ડ ટૂંક સમયમાં અગ્રવાલને ઈંગ્લેન્ડ મોકલવાની મંજૂરી આપી દેશે. રોહિત શર્માએ આ પહેલા પણ શંકર ઈજાગ્રસ્ત થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે તે સાઉથેમ્પટમાં થયેલી ઈજા વિશે વાત કરી રહ્યો છે. એવામાં હવે ફરી થયેલી ઈજાએ વિજયની વર્લ્ડ કપની સફર રોકી દીધી છે.