ટીમ ઇન્ડિયાએ ભલે ત્રિનિદાદમાં રમાયેલી ત્રીજી વન-ડે જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી હોય પણ વિકેટકીપર રિષભ પંતની બેટિંગ ફરી એક વખત સવાલોના ઘેરામાં છે. રિષભ પંત ઉપર સવાલ ઉભા કરવા પાછળનું કારણ તેનું બેજવાબદાર વલણ છે જેના કારણે ટીમ ઇન્ડિયાને પણ નુકસાન થઈ રહ્યું છે. બુધવારે ત્રિનિદાદમાં પંતે ફરી એક વખત પોતાની વિકેટ વિરોધી ટીમને ભેટમાં આપી હતી. પંતે પ્રથમ બોલે જ મોટો શોટ રમવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પંત ધવનની વિકેટ પડ્યા પછી ક્રિઝ ઉપર આવ્યો હતો. મોટો શોટ રમવાના પ્રયત્નમાં પંત કિમો પોલને કેચ આપી બેઠો હતો.
પંતના બેજવાબદાર રીતે ખરાબ શોટના કારણે તેના વિરુદ્ધ ક્રિકેટ પ્રશંસકોએ મોરચો ખોલી દીધો છે. સોશિયલ મીડિયા ઉપર પ્રશંસકો તેની બેટિંગ ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે. પ્રશંસકોએ કહ્યું છે કે પંત હજુ ઇન્ટરનેશનલ ક્રિકેટ ખાસ કરીને લિમિટેડ ઓવરના ફોર્મેટ માટે તૈયાર જ નથી.
તમને જણાવી દઈએ કે પંતને ટીમ ઇન્ડિયા સતત નંબર 4 ઉપર તક આપી રહ્યું છે પણ સતત ફ્લોપ થઈ રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 શ્રેણીની અંતિમ મેચમાં ફટકારેલી અડધી સદીને છોડી દેવામાં આવે તો પંતે નંબર 4 ઉપર નિરાશ જ કર્યા છે. પંતને જોઈને લાગે છે કે તેને પોતાની વિકેટની કિંમત નથી.
વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પણ પંતે સેટ થયા પછી ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પંતને જોઈને લાગે છે કે તેને ફક્ત એક સ્ટાઇલમાં બેટિંગ કરતા આવડે છે. તે શ્રેયસ ઐયરની જેમ સિંગલ-ડબલ લઈને રમી શકતો નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર