બીજી વન-ડે : રોહિત શર્મા, રાહુલની સદી, ભારતનો 107 રને વિજય

બીજી વન-ડે : રોહિત શર્મા, રાહુલની સદી, ભારતનો 107 રને વિજય
રોહિત શર્માના 159 રન, રાહુલના 102 રન, કુલદીપ બે વખત હેટ્રિક ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યો

રોહિત શર્માના 159 રન, રાહુલના 102 રન, કુલદીપ બે વખત હેટ્રિક ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યો

 • Share this:
  વિશાખાપટ્ટનમ : રોહિત શર્મા (159) અને લોકેશ રાહુલ (102)ની સદી બાદ કુલદીપ યાદવની હેટ્રિકની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડેમાં 107 રને વિજય મેળવ્યો હતો. ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 387 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 43.3 ઓવરમાં 280 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. હવે ત્રીજી અને અંતિમ વન-ડેમાં 22 ડિસેમ્બરના રોજ રમાશે.

  લુઇસ 30 રને શાર્દુલનો શિકાર બન્યો હતો. લુઈસ અને શાઇ હોપે પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી નોંધાવી હતી. હેટમાર અને ચેસ 4-4 રને આઉટ થતા વેસ્ટ ઇન્ડીઝે 86 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. હોપ (78) અને પૂરને (75) 106 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. બંનેના આઉટ થયા પછી ધબડકો થયો હતો.  કુલદીપે 33મી ઓવરમાં ચોથા બોલે શાઇ હોપ, પાંચમાં બોલે જેસોન હોલ્ડર અને છઠ્ઠા બોલે જોસેફને આઉટ કરી હેટ્રિક ઝડપી હતી. કુલદીપ વન-ડેમાં બે હેટ્રિક વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યો છે. આ પહેલા તેણે 2017માં ઓસ્ટ્રેલિયા સામે હેટ્રિક ઝડપી હતી.

  આ પણ વાંચો - બીજી વન-ડે : રોહિત શર્મા, રાહુલની સદી, ભારતનો 107 રને વિજય

  આ પહેલા ભારતના રોહિત શર્મા અને કેએલ રાહુલે ધમાકેદાર શરુઆત કરી હતી. રાહુલે 46 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 50 રન પુરા કર્યા હતા. જ્યારે રોહિતે 67 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા હતા. રોહિતે શાનદાર બેટિંગ યથાવત્ રાખતા 107 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી હતી. રાહુલે પણ દમદાર પ્રદર્શન કરતા 102 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 100 રન પુરા કર્યા હતા. તે સદી ફટકારી વધારે ટકી શક્યો ન હતો અને 102 રને આઉટ થયો હતો.

  રોહિત અને રાહુલે પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલી પ્રથમ બોલે જ આઉટ થયો હતો. બીજી તરફ સદી ફટકાર્યા પછી રોહિતે આક્રમક બેટિંગ કરી હતી. રોહિત 138 બોલમાં 17 ફોર અને 5 સિક્સર સાથે 159 રન બનાવી આઉટ થયો હતો. શ્રૈયસ ઐયરે 32 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે 53 અને પંતે 16 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે 39 રન બનાવ્યા હતા.

  વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
  વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કાયરન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં એક ફેરફાર કરતા શિવમ દુબેના સ્થાને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરાયો હતો.

  ભારતીય ટીમ - રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન),શ્રેયસ ઐયર, ઋષભ પંત, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, દીપક ચાહર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર

  વેસ્ટ ઇન્ડીઝ ટીમ - શાઇ હોપ, એવિન લુઇસ, શિમરૉન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેસ, કાયરન પોલાર્ડ (કેપ્ટન), જેસન હોલ્ડર, કીમો પૌલ, અલ્જારી જોસેફ, શેલ્ડન કૉટરેલ, ખૈરી પિયરે.
  First published:December 18, 2019, 15:40 pm

  टॉप स्टोरीज