ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારથી શરુ થઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. ભારતીય ટીમ વિન્ડીઝ સામે વ્હાઇટવોશ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. આ ટેસ્ટમાં વિરાટ કોહલી જીત મેળવશે તો ટેસ્ટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન બની જશે. તે એેમએસ ધોનીના 27 જીતના રેકોર્ડને પાછળ રાખી દેશે. બીજી ટેસ્ટ રાત્રે 8 કલાકેથી શરુ થશે.
પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ (6 વિકેટ) અને ઇશાંત શર્મા (8 વિકેટ)ના તરખાટ સામે વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ ઘૂંટણિયા ટેકવી દીધા હતા. આ બંને ફાસ્ટ બોલરોનો ઇરાદો આ પ્રદર્શન જાળવી રાખવાનો રહેશે. ભારતના બોલિંગ કોચ ભરત અરુણે કહ્યું હતું કે અહીં પરિસ્થિતિઓ સારી છે અને પિચ પણ શાનદાર લાગી રહી છે. અમને વધુ એક સારા પ્રદર્શનની આશા છે.
પંત ઉપર રહેશે દબાણ
પ્રથમ ટેસ્ટમાં ભવ્ય જીતના કારણે ભારત અંતિમ ઇલેવનમાં ફેરફાર કરે તેવી સંભાવના ઓછી છે. જોકે પંતનું ફોર્મ ચિંતાનો વિષય છે. તેને એમએસ ધોનીનો વારિસ માનવામાં આવે છે. પણ તે જે રીતે આઉટ થઈ રહ્યો છે તે ચિંતાજનક છે. આ પ્રવાસમાં તેણે 0, 4, 65*, 20, 0, 24 અને 7 રન બનાવ્યા છે. રિદ્ધિમાન સાહા ડ્રેસિંગ રુમમાં પરત ફરવાથી પંત તકને હળવાશથી લઈ શકે નહીં. પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં કોઈ જાતના દબાણ વગર ખુલીને રમવાની તક હતી પણ તે ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયો હતો.
રોહિત શર્માએ જોવી પડશે રાહ
ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ પ્રથમ ટેસ્ટમાં ફોર્મમાં ન હતો પણ તેને વધુ એક તક મળે તેવી સંભાવના છે. મિડલ ઓર્ડરમાં અજિંક્ય રહાણે અને હનુમા વિહારીએ શાનદાર બેટિંગ કરી હતી. જેથી રોહિત શર્માએ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવવા માટે રાહ જોવી પડશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર